DGP કપ ફૂટબૉલ અને ચેસ ટૂર્નામેન્ટ- ૨૦૨૪
રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ ખાતે સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ ગ્રૂપ-૨ દ્વારા ‘DGP કપ ચેસ અને ફૂટબૉલ ટૂર્નામેન્ટ-૨૦૨૪’નો પ્રારંભ
એસઆરપીએફ ગ્રૂપ-૨ના ફૂટબૉલ ગ્રાઉન્ડમાં ત્રણ દિવસ સુધી રાજ્યની વિવિધ ટીમો વચ્ચે ટૂર્નામેન્ટ યોજાશે. પ્રથમવાર DGP કપમાં ચેસ ટૂર્નામેન્ટનો પણ સમાવેશ કરાયો
અમદાવાદના રાજ્ય અનામત પોલીસ દળ જૂથ-૨ દ્વારા અમદાવાદ ફૂટબૉલ ગ્રાઉન્ડ ખાતે DGP કપ ચેસ અને ફૂટબૉલ ટૂર્નામેન્ટ – ૨૦૨૪નું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજે ઓપનિંગ સેરેમની યોજાઈ હતી. આગામી તા. ૩૦ નવેમ્બર સુધી આ ટૂર્નામેન્ટ યોજાશે.
આ ટૂર્નામેન્ટમાં કુલ ૭ ટીમોએ ભાગ લીધો છે. જેમાં રાજકોટ શહેર, વડોદરા રેન્જ, જેલ પ્રભાગ, ભાવનગર રેન્જ, વડોદરા શહેર, હથિયારી એકમો, બોર્ડર રેન્જનો સમાવેશ થાય છે. આ જ રીતે, ચેસ ટૂર્નામેન્ટમાં કુલ ૮ ટીમોએ ભાગ લીધો છે. જેમાં હથિયારી એકમો, ભાવનગર વિભાગ, જેલ પ્રભાગ, રાજકોટ શહેર, રાજકોટ વિભાગ, અમદાવાદ શહેર, ગાંધીનગર વિભાગ, જુનાગઢ વિભાગનો સમાવેશ થાય છે. સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ ગ્રૂપ-૨નાં સેનાપતિ સુશ્રી મંજિતા વણઝારાની આગેવાનીમાં આ સમગ્ર આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત પોલીસ દળમાં શિસ્ત, શારીરિક ફિટનેસ તથા ટીમ સ્પિરિટની ભાવના જળવાઈ રહે તે ઉદ્દેશ સાથે દર વર્ષે ડીજીપી કપ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત આ વર્ષે પ્રથમવાર DGP કપમાં ચેસ ટૂર્નામેન્ટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આજે ઓપનિંગ સેરેમનીમાં ફૂટબૉલ અને ચેસની ટીમો દ્વારા શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા.
આજની આ ઓપનિંગ સેરેમનીમાં મુખ્ય મહેમાન તરીકે ગાંધીનગરના હથિયારી એકમોના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિશાલકુમાર વાઘેલા, મેટ્રો જૂથના એસ.પી. ભાવના પટેલ, રાજ્ય અનામત પોલીસ દળ જૂથ-૨ના ડીવાયએસપી પી.પી. વ્યાસ તેમજ ડીવાયએસપી વિજયસિંહ પરમાર સહિતના પોલીસ અધિકારીઓ-કર્મચારીઓ તથા સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા.