RAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: ચોમાસામાં પૂર સહિતની સંભવિત કટોકટીને પહોંચી વળવા તાલુકા વાઈઝ નાયબ કલેક્ટરોને ફરજ સોંપાઈ

તા.૪/૫/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

રાજકોટ જિલ્લામાં ચોમાસા પૂર્વેની તૈયારીઓ અંગે કલેક્ટર કચેરીમાં યોજાયેલી બેઠક

જિલ્લામાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાનનો અસરકારક અમલ કરવા સૂચના અપાઈ

Rajkot: રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ચોમાસા પહેલાંની તૈયારીઓ અંગેની બેઠક યોજાાઇ હતી. જેમાં રાજકોટ જિલ્લામાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લેનનો અસરકારક અમલ કરવા સૂચના આપવામાં આવી હતી. ચોમાસામાં ભારે વરસાદની સ્થિતિમાં પૂર સહિતની સંભવિત કટોકટીને પહોંચી વળવા જિલ્લામાં દરેક તાલુકા માટે એક નાયબ કલેક્ટર મળીને કુલ ૧૨ અધિકારીઓને ખાસ ફરજ સોપવામાં આવી છે. તથા વાવાઝોડા કે ભારે વરસાદની ચેતવણીના સંજોગોમાં તમામ સ્ટાફને ફરજના સ્થળે જ હાજર રહેવા ખાસ સૂચના આપવામાં આવી છે.

જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનંદુ સુરેશ ગોવિંદના અધ્યક્ષસ્થાને પ્રિ-મોન્સૂન પ્રિપેર્ડનેસની બેઠક યોજાઈ હતી. જેમાં વિવિધ વિભાગોને ચોમાસામાં બચાવ અને સ્થળાંતર માટે આગોતરી તૈયારીઓ કરી રાખવા સૂચના આપવામાં આવી હતી.

આ તકે જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે, પાણીના વહેણને અવરોધતા હોય તેવા દબાણો વહેલાસર દૂર કરી નાંખવા. ઉપરાંત તેમણે ભૂતકાળમાં જ્યાં-જ્યાં પાણી ભરાવાની સમસ્યાઓ થઈ હોય, તેવા કેસોનો અભ્યાસ કરીને ત્યાં આવી સ્થિતિ ફરી ન સર્જાય તે પ્રકારે કામગીરી કરવા સૂચના આપી હતી. રાજકોટ જિલ્લામાં ચોમાસું શરૂ થાય તે પહેલાંથી જ વોટર સ્પોર્ટસની પ્રવૃત્તિ જો ક્યાંય થતી હોય તો તે બંધ કરવા પર ભાર મુક્યો હતો.

નિવાસી અધિક કલેક્ટર શ્રી એન. કે. મુછારે જર્જરિત થાંભલાઓ, ઊંચા બિલ્ડિંગ પર લાગેલા જર્જરિત અને જોખમી હોર્ડિંગ્સ વગેરેને સમયસર દૂર કરવા સૂચના આપી હતી.

ચોમાસામાં જાનહાનિ ટાળવા આગોતરી અસરકારક વ્યવસ્થા કરવા પર ભાર મુકાયો હતો. પશુમૃત્યુ કે માનવમૃત્યુના કિસ્સામાં પોસ્ટમોર્ટમ સહિતની તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરીને, સહાયની રકમ અસરગ્રસ્તોને વહેલાસર ચુકવવા જણાવાયું હતું.

ઉપરાંત પંચાયત, બાંધકામ, આરોગ્ય, ખેતીવાડી અને પશુપાલન વિભાગને પોતાના સ્ટાફની મિટિંગ કરીને આ બાબતે સાવધાની વર્તવા સૂચના આપવામાં આવી હતી. જિલ્લામાં ૧ જૂનથી તાલુકા કક્ષાએ ફ્લડ કંટ્રોલરૂમ રાઉન્ડ ધી ક્લોક શરૂ કરવા અને સંદેશાવ્યવહાર અસરકારરક રીતે થાય તે વ્યવસ્થા સુદ્રઢ રાખવા જણાવાયું હતું.

સંભવિત નીચાણવાળા વિસ્તારો અને સ્થળાંતરના સ્થળો, તરવૈયાઓની યાદી, બચાવના સાધનો વગેરે અગાઉથી જ તૈયાર રાખવા પણ તાકીદ કરવામાં આવી હતી.

જિલ્લામાં ડેમ, કેનાલની ચકાસણી કરવા, નદીના પટના દબાણો દૂર કરવા, જર્જરિત ઈમારતોમાં અગાઉથી ચેતવણીસૂચક બોર્ડ લગાવવા, સરકારી ગોડાઉનમાં અનાજના જથ્થાની સલામતીની સ્થિતિની ચકાસણી કરવા પણ સંબંધિત વિભાગને જણાવાયું હતું.

આ બેઠકમાં ડી.સી.એફ. શ્રી બહાદુરસિંહ મીણા, ડી.આર.ડી.એ.ના નિયામક શ્રી એ.કે. વસ્તાણી, વિવિધ વિભાગના અધિકારીઓ, વિવિધ પ્રાંત અધિકારીઓ, મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, નગર પાલિકાના ચીફ ઓફિસર્સ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!