ગેરકાયદે કોસ્મેટિક્સ સામે FDCAની લાલ આંખ: ત્રાગડમાં દરોડા, ‘આનકી હર્બલ’ પાસેથી રૂ. ૨.૬૮ લાખનો મુદ્દામાલ જપ્ત

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની સૂચનાના અનુસંધાને ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (FDCA), ગુજરાત રાજ્ય દ્વારા રાજ્યભરમાં ગેરકાયદેસર રીતે કોસ્મેટિક્સનું ઉત્પાદન, રીપેકિંગ અને વેચાણ કરતી પ્રવૃત્તિઓ સામે સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશના ભાગરૂપે અમદાવાદના ત્રાગડ વિસ્તારમાં આવેલી ‘આનકી હર્બલ’ નામની પેઢી પર સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં રૂ. ૨.૬૮ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
નાગરિકોના આરોગ્ય અને સલામતી સાથે ચેડાં કરતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે રાજ્ય સરકાર ‘ઝીરો ટોલરન્સ’નો અભિગમ અપનાવી રહી હોવાનું આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું છે. આવી પ્રવૃત્તિઓમાં સંકળાયેલા લોકો સામે આગામી સમયમાં પણ કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે તેમ તેમણે સ્પષ્ટ કર્યું હતું.
કમિશનરને મળેલી ગુપ્ત બાતમીના આધારે તા. ૨૫ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ FDCAની ટીમ દ્વારા ત્રાગડ વિસ્તારમાં આવેલી ‘આનકી હર્બલ’ પેઢી પર અચાનક તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન પેઢી દ્વારા જરૂરી લાઇસન્સ વિના અને કોસ્મેટિક્સની ગુણવત્તાની જરૂરી ચકાસણી કર્યા વગર ગેરકાયદેસર રીતે વિવિધ કોસ્મેટિક ઉત્પાદનોનું ઉત્પાદન તથા બલ્ક પેકમાંથી રીપેકિંગ કરવામાં આવતું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું.
તપાસ દરમિયાન અધિકારીઓએ સ્થળ પરથી ફેરનેસ ક્રીમ, ડાર્ક સર્કલ ક્રીમ, શેમ્પુ, હેર ઓઇલ, બોડી વોશ, ફેસ વોશ, સ્ક્રબ, સોલિડ પરફ્યુમ તેમજ ગ્લિસરીન બેઝ સાબુ સહિત વિવિધ કોસ્મેટિક ઉત્પાદનોનો જથ્થો કબજે કર્યો હતો. આ ઉપરાંત કાચો માલ, પેકિંગ મટીરીયલ અને તૈયાર છાપેલા લેબલ્સ પણ જપ્ત કરવામાં આવ્યા હતા. જપ્ત કરાયેલા કુલ મુદ્દામાલની કિંમત રૂ. ૨.૬૮ લાખથી વધુ હોવાનું તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.
FDCAની વધુ તપાસમાં બહાર આવ્યું છે કે આ ગેરકાયદેસર પ્રવૃત્તિ માટેનું બલ્ક મટીરીયલ અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલી ‘રવી માર્કેટીંગ’ પાસેથી ખરીદવામાં આવતું હતું. જ્યારે શિવાન્તા રીગેલના એક ફ્લેટ ખાતે કોસ્મેટિક્સનું રીપેકિંગ અને ગ્લિસરીન સાબુનું ગેરકાયદેસર ઉત્પાદન કરવામાં આવતું હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે.
આ સમગ્ર મામલે તપાસનો વ્યાપ વધારવામાં આવ્યો છે અને ‘રવી માર્કેટીંગ’ ખાતે પણ તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ગેરકાયદેસર રીતે તૈયાર કે રીપેક કરવામાં આવેલા ઉત્પાદનોની ગુણવત્તા અને સલામતીની ચકાસણી માટે ૧૦ અલગ-અલગ કોસ્મેટિક પ્રોડક્ટ્સના નમૂનાઓ લેવામાં આવ્યા છે. આ નમૂનાઓને લેબોરેટરીમાં પૃથક્કરણ અને ગુણવત્તા ચકાસણી માટે મોકલી આપવામાં આવ્યા છે. લેબોરેટરીના અહેવાલના આધારે આગળની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
દરમિયાન, તાજેતરમાં અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ અને ખોરાક-ઔષધ નિયમન તંત્રના સંયુક્ત ઓપરેશનમાં બ્લડ પ્રેશરની નકલી દવાઓનું ઉત્પાદન કરી તેનું વેચાણ કરતી આંતરરાજ્ય સિન્ડિકેટનો પણ પર્દાફાશ કરવામાં આવ્યો હતો. આ કેસમાં અમદાવાદ અને લખનઉ, ઉત્તર પ્રદેશ સાથે જોડાયેલા કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
નકલી દવા કેસમાં થયેલી આ સફળ કામગીરી બદલ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ અમદાવાદ શહેર પોલીસ કમિશનર, ક્રાઇમ બ્રાન્ચ તેમજ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે નકલી દવાઓ અને ગેરકાયદેસર કોસ્મેટિક્સ જેવી પ્રવૃત્તિઓ માત્ર કાયદાનો ભંગ જ નથી કરતી, પરંતુ લોકોના આરોગ્ય માટે ગંભીર જોખમ પણ ઊભું કરી શકે છે.
મંત્રી પાનશેરીયાએ ગુજરાતની જનતાને આશ્વસ્ત કરતાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર પ્રજાના આરોગ્ય સાથે ચેડાં કરનારા કોઈપણ વ્યક્તિ કે સંગઠન સામે કોઈપણ પ્રકારની બાંધછોડ કરશે નહીં. કાયદાનો ભંગ કરનારા સામે પુરાવાના આધારે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે અને દોષિતોને સખત સજા અપાવવા માટે સરકાર તમામ જરૂરી પગલાં લેશે.
FDCA દ્વારા નાગરિકોને પણ અપીલ કરવામાં આવી છે કે કોસ્મેટિક્સ અને અન્ય આરોગ્ય સંબંધિત ઉત્પાદનો ખરીદતી વખતે તેની ગુણવત્તા, લેબલિંગ અને કાયદેસર સ્ત્રોત અંગે જરૂરી સાવચેતી રાખે. શંકાસ્પદ અથવા ગેરકાયદેસર ઉત્પાદન અને વેચાણ અંગે માહિતી મળે તો તંત્રને જાણ કરીને જાહેર આરોગ્યની સુરક્ષામાં સહભાગી બને.




