સાણંદ તાલુકા પંચાયત ખાતે બાલિકા પંચાયતની દીકરીઓ માટે પ્રેરણાદાયી તાલીમ કાર્યક્રમ યોજાયો
રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
સાણંદ તાલુકા પંચાયત ખાતે બાલિકા પંચાયતની સરપંચ અને ઉપસરપંચ તરીકે નિમાયેલ દીકરીઓ માટે પ્રેરણાદાયી તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ અમદાવાદ જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરીના સંકલ્પ-હબ ફોર એમ્પાવરમેન્ટ ઑફ વિમન યોજના અને આઈ.સી.ડી.એસ. સાણંદ ઘટક-2ના સંયુક્ત ઉપક્રમે યોજાયો.
તાલીમમાં જેન્ડર સ્પેશિયાલિસ્ટ જીતેશ સોલંકી અને ફાઇનાન્સ લિટ્રેસી સ્પેશિયાલિસ્ટ હેમલ બારોટ દ્વારા ‘બેટી બચાવો, બેટી પઢાવો’ યોજના હેઠળ બાલિકા પંચાયતના કાર્ય, પંચાયતી રાજ વ્યવસ્થાનું મહત્વ અને દીકરીઓની ભાગીદારી વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું.
અતિથિઓએ દીકરીઓને મહિલા કલ્યાણકારી યોજનાઓ, સુરક્ષા સંબંધિત પ્રકલ્પો અને તેમને ઉપયોગી એવી વિવિધ માહિતી આપી. તાલીમ દરમિયાન બાલિકા પંચાયતની નવી નેત્રીઓએ સશક્ત રીતે પ્રશ્નો પૂછ્યા અને પોતાની ભૂમિકા અંગે ઉત્તમ જાગૃતિ દર્શાવી.
કાર્યક્રમમાં સાણંદ ઘટક-2ના બાળ વિકાસ યોજના અધિકારી જાગૃતિબહેન, મુખ્ય સેવિકા બહેનો, વિવિધ આંગણવાડી કાર્યકરો અને તાલુકાની તમામ બાલિકા પંચાયતની સરપંચ અને ઉપસરપંચ દીકરીઓે ઉત્સાહપૂર્વક હાજરી આપી.
આ તાલીમ બાલિકાઓને નેતૃત્વના નવા મંચ પર આત્મવિશ્વાસભેર આગળ વધવા માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડનારી સાબિત થઈ.