AHAVADANGGUJARAT

આહવા ગ્રામ પંચાયતની રાજકીય ઉથલપાથલ: અવિશ્વાસ બાદ જૂથવાદ સામે જાતિવાદનો મુદ્દો ચર્ચામાં

 

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાની સૌથી મોટી આહવા ગ્રામ પંચાયતમાં અવિશ્વાસની દરખાસ્ત બાદ નવા સરપંચ તરીકે હરિરામભાઈ સાંવતે પદભાર સંભાળતાની સાથે જ બે જૂથો આમને સામને આવી જતા નગરમાં રાજકીય અને સામાજિક ચર્ચા ભારે તેજ બની છે. સમગ્ર મામલાને કેટલાક તત્વો દ્વારા જાતિ અને સમાજનો પ્રશ્ન બનાવી રજૂ કરવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાના આક્ષેપો ઊઠ્યા છે, જેના પગલે હવે ભૂતકાળની ઘટનાઓ, વર્તમાન પરિસ્થિતિ અને કાયદાકીય પ્રક્રિયાની નિષ્પક્ષ સરખામણી કરવી જરૂરી બની ગઈ છે. અવિશ્વાસની દરખાસ્ત કોઈ વ્યક્તિની જાતિ, સમાજ કે ઓળખના આધારે નહીં, પરંતુ ચૂંટાયેલા સભ્યોના બહુમતી મત અને કાયદાકીય માળખા મુજબ હાથ ધરાતી પ્રક્રિયા છે.જો ગત ટર્મમાં પણ આ જ પ્રકારની કાર્યવાહી થઈ હોય, તો આજની કાર્યવાહી સામે જુદા માપદંડ કેમ અપનાવવામાં આવી રહ્યા છે તેવો સીધો પ્રશ્ન ઊભો થાય છે.ગત ટર્મ દરમિયાન તત્કાલીન સરપંચ રેખાબેન પટેલને પદ પરથી હટાવવા માટે લાવવામાં આવેલી અવિશ્વાસની દરખાસ્તમાં સવિતાબેન હરિચંદભાઈ ભોયે (વોર્ડ નં. ૧૧), સુભદ્રાબેન અશોકભાઈ બચ્છાવ (વોર્ડ નં. ૧૦), સી.પી. ગવળી (વોર્ડ નં. ૧૪) અને અશ્વિન સનદભાઈ પવાર (વોર્ડ નં. ૧૭) જેવા ચૂંટાયેલા સભ્યોની ભૂમિકા હોવાનો દાવો કરાયો છે આ સમગ્ર કાર્યવાહી આહવા ગ્રામ પંચાયતનાં પૂર્વ સરપંચ હરીચંદભાઈ ભોયેના નિવાસસ્થાને થઈ હોવાનો પણ આક્ષેપ છે. આ તમામ બાબતોની સત્યતા સત્તાવાર રેકોર્ડ અને દસ્તાવેજોથી સ્પષ્ટ થવી જોઈએ એવી ચર્ચા પણ જોવા મળી રહી છે.ગત ટર્મમાં સરપંચ આદિવાસી સમાજમાંથી હોવા છતાં તેમની સામેની અવિશ્વાસ પ્રક્રિયાને જાતિવાદી મુદ્દો બનાવવામાં આવ્યો ન હતો. વર્તમાન ટર્મમાં ૧૩ માંથી ૯ સભ્યો આદિવાસી અને ૩ અન્ય સમાજના છે (જ્યારે ગત ટર્મમાં ૧૪ માંથી ૧૨ આદિવાસી અને ૨ અન્ય સમાજના હતા). આ આંકડાઓ જોતાં સમગ્ર પ્રક્રિયાને “આદિવાસી વિરુદ્ધ અન્ય સમાજ” તરીકે ખપાવવી કે સામાજિક ધ્રુવીકરણ ઊભું કરવું કેટલું યોગ્ય છે તે અંગે પંથકમાં અનેક તર્ક વિતર્કો સર્જાતા જોવા મળી રહ્યા છે.મળતી માહિતી મુજબ, વર્તમાન સરપંચ હરીચંદભાઈ ભોયેને ગામના આગેવાનો, સહયોગીઓ અને રાજકીય પદાધિકારીઓ દ્વારા અગાઉ અનેકવાર સમજાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.ચૂંટાયેલા તમામ સભ્યોને સાથે રાખીને પંચાયતનો વહીવટ ચલાવવા તેમજ મતભેદો ઉકેલવા રજૂઆતો થઈ હતી, પરંતુ સુધારો ન આવતાં આ સ્થિતિ સર્જાઈ હોવાનું કહેવાય છે. પંચાયતમાં વહીવટ, વિકાસકાર્યો કે નિર્ણય પ્રક્રિયા અંગે અસંતોષ હોય તો કાયદાકીય વિરોધ કરવો લોકશાહીનો ભાગ છે, પરંતુ તેને સામાજિક વિવાદનું રૂપ આપવું કેટલું યોગ્ય તે પણ પ્રજાએ વિચારવુ જ રહ્યું.હવે ગામજનો સમક્ષ મુખ્ય સવાલો એ છે કે,ગત અને વર્તમાન અવિશ્વાસ દરખાસ્ત પાછળના વહીવટી કારણો શું છે?અવિશ્વાસની કાર્યવાહી કાયદા મુજબ થઈ રહી છે કે કેમ?શું આ પ્રક્રિયામાં જાતિનો કોઈ સત્તાવાર આધાર છે કે માત્ર રાજકીય નિવેદનો?કોઈપણ પક્ષના દાવાની સત્યતા રાજકીય નિવેદનોથી નહીં પરંતુ સત્તાવાર રેકોર્ડ, બેઠકની કાર્યવાહી અને લાગુ પડતા કાયદા પરથી જ નક્કી થવી જોઈએ.અને આહવા ગામને રાજકીય સ્વાર્થ કે જાતિવાદ નહીં, પરંતુ એકતા, જવાબદાર અને પારદર્શક પંચાયત વહીવટની જરૂર છે.ત્યારે આવનાર દિવસોમાં આહવા ગ્રામ પંચાયતનાં વિકાસમાં કેવો રંગ રેહશે તે જોવુ જ રહયુ..

Back to top button
error: Content is protected !!