ભરૂચ જિલ્લાના અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત 9 તાલુકાના તમામ ખેડૂતોને પાક નુકશાની વળતર મળશે
– વિરોધ પક્ષના અમુક લોકો સસ્તી પ્રસિદ્ધિ મેળવવા ખેડૂતોને ગુમરાહ કરી રહ્યાં છે : મારૂતિસિંહ અટોદરિયા
– નેત્રંગ – વાલિયા તાલુકામાં પણ પોર્ટલ ખુલતા પાક નુકશાનીની ખેડૂતો અરજી કરી શકશે
– જિલ્લામાં અતિવૃષ્ટિથી 37 હજાર હેકટરમાં પાક નુકશાની સર્વે સરકારને સુપરત
સમીર પટેલ, ભરૂચ
ભરૂચ જિલ્લાના તમામ 9 તાલુકાના અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત ખેડૂતોને પાક નુક્શાનીનું વળતર મળશે.
ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાએ માહિતી આપી હતી કે, જિલ્લામાં અતિવૃષ્ટિથી 9 તાલુકામાં ખેડૂતોને પાકમાં ભારે નુકશાન થયું છે. જુલાઈમાં 7 તાલુકામાં થયેલા નુકશાન અંગે સરકારની સૂચનાથી જિલ્લા ખેતી અધિકારી દ્વારા કરાયેલા સર્વેમાં 37 હજાર હેકટરમાં પાક નુકસાની ધ્યાને આવી હતી. હજી પણ જે અસરગ્રસ્ત ખેડુત બાકી રહી ગયા હોય તે 30 સપ્ટેમ્બર સુધીમાં અરજી કરી શકે છે.
ઓગસ્ટમાં ફરી ભારે વરસાદના કારણે જિલ્લાના તમામ તાલુકામાં ખેતીને નુકશાન થયું હતું. નેત્રંગ અને વાલિયા તાલુકામાં ભારે નુકશાન થયું હતું. જોકે હમણાં પોર્ટલ ખુલતું નથી. પોર્ટલ ખુલતા જ બન્ને તાલુકાના ખેડૂતો પાક નુક્શાનીની અરજી કરી શકશે.
જિલ્લા ભાજપ પ્રમુખે વધુમાં મીડિયા જોગ નિવેદન આપ્યું હતું કે, વિરોધ પક્ષના અમુક લોકો સસ્તી પ્રસિદ્ધિ મેળવવા ખેડૂતોને ગુમરાહ કરી રહ્યાં છે. ભાજપ સાંસદ, ધારાસભ્યો અને જિલ્લા ભાજપ સંગઠનના સૌ મિત્રોએ સરકારમાં રજુઆત કરી છે. અને રજૂઆતને લઈ 9 તાલુકામાં સર્વે કરી કામગીરી પૂર્ણ કરાઈ છે.