મહીસાગર જિલ્લામાં પત્રકારોના હિત, સુરક્ષા અને સંકલન માટે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ દ્વારા આવેદનપત્ર રજૂ

મહીસાગર જિલ્લામાં પત્રકારોના હિત, સુરક્ષા અને સંકલન માટે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ દ્વારા આવેદનપત્ર રજૂ
રિપોર્ટર… અમીન કોઠારી મહીસાગર
લુણાવાડા, તા. //2026:
અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ (રજી.), મહીસાગર જિલ્લા દ્વારા જિલ્લાના પત્રકારોના હિત, સુરક્ષા, સન્માન તથા સરકારી તંત્ર સાથે સુમેળભર્યો સંકલન સ્થાપિત થાય તે હેતુથી જિલ્લા માહિતી અધિકારીને સંબોધીને આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યું હતું.
જિલ્લા માહિતી અધિકારી તે સમયે કચેરીમાં હાજર ન હોવાથી આવેદનપત્ર સંબંધિત શાખાના અધિકૃત કર્મચારીને સુપરત કરવામાં આવ્યું હતું, જેથી રજૂ કરાયેલ માંગણીઓ સંબંધિત અધિકારીઓ સુધી પહોંચે અને તેના પર યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવે.
આ પ્રસંગે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના જિલ્લા પ્રમુખ, જિલ્લા મહામંત્રી, જિલ્લા ઉપપ્રમુખ, જિલ્લા મંત્રી, જિલ્લા સહમંત્રી, જિલ્લા ખજાનચી, સોશિયલ મીડિયા ઇન્ચાર્જ સહિત જિલ્લાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
સમિતિ દ્વારા રજૂ કરાયેલા આવેદનમાં પત્રકારોને સરકારી યોજનાઓ, વિકાસલક્ષી કાર્યો, પ્રેસ કોન્ફરન્સ, જાહેર કાર્યક્રમો તથા અન્ય મહત્વપૂર્ણ માહિતી સમયસર ઉપલબ્ધ કરાવવા, મીડિયા અને વહીવટી તંત્ર વચ્ચે નિયમિત સંકલન જાળવવા, સરકારી કચેરીઓમાં પત્રકારોને જરૂરી સહયોગ અને સન્માન આપવા, પત્રકાર કલ્યાણ યોજનાઓ અંગે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવા તેમજ સમયાંતરે “મીડિયા સંવાદ બેઠક” યોજવાની માંગ કરવામાં આવી હતી.
જિલ્લા પ્રમુખે જણાવ્યું હતું કે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ હંમેશા પત્રકારોના હિત, સુરક્ષા અને સન્માન માટે પ્રતિબદ્ધ રહી છે. સંગઠન નિષ્પક્ષ અને જવાબદાર પત્રકારત્વને પ્રોત્સાહન આપવા સાથે વહીવટી તંત્ર અને મીડિયાની વચ્ચે રચનાત્મક સંવાદ અને સંકલન મજબૂત બને તે માટે સતત કાર્યરત રહેશે.
સમિતિએ જિલ્લા વહીવટી તંત્ર સમક્ષ રજૂ કરાયેલ માંગણીઓ પર હકારાત્મક વિચારણા કરીને જિલ્લાના તમામ પત્રકારોના હિતમાં યોગ્ય નિર્ણય લેવામાં આવશે તેવી આશા વ્યક્ત કરી હતી.




