AMRELIAMRELI CITY / TALUKO

અમરેલી લેટરકાંડ: જામીન મળ્યા બાદ પાયલ ગોટી થઈ જેલ મુક્ત

અમરેલીના બહુ ચર્ચિત લેટરકાંડ કેસમાં ધરપકડ કરાયેલી પાટીદાર યુવતીને 3 જાન્યુઆરી 2025ના રોજ જામીન મળ્યા છે. ત્યારબાદ હવે પાયલ ગોટી જેલ મુક્ત થઈ છે. જેલ બહાર આવતાની સાથે જ પાયલે કહ્યું, ‘સત્યમેવ જયતે’. જેલમુક્ત થયા બાદ પાયલ ગોટી પોતાના ગામ વીઠલપુર પહોંચી હતી. જ્યાં ગ્રામજનોએ તેમનું ઢોલ-નગારા સાથે સામૈયું કર્યું. જણાવી દઈએ કે, લેટરકાંડ કેસના ચાર આરોપી વિરૂદ્ધ અલગ અલગ સાયબર એક્ટ મુજબના ગુના નોંધાયા છે.

પાયલ ગોટી જેલમાંથી બહાર આવતા રડી પડી હતી. આ સમયે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. પાયલના માતા-પિતાની આખો ભીની થઈ. પાયલ પરિવારજનોને ભેટી પડી હતી. જો કે, જેલમાંથી છૂટકારા બાદ પાયલની માનસિક સ્થિતિ અસ્વસ્થ હોવાનું જોવા મળ્યું છે. તેમણે મીડિયા સામે વધુ કંઈ બોલવાની સ્થિતિમાં નહી હોવાનું જણાવ્યું હતું. પાયલને જિલ્લા સેસન્શ કોર્ટે 15 હજારના બોન્ડ પર જામીન મંજૂર કર્યા હતા.
આ દરમિયાન કોંગ્રેસ નેતા જેનીબેન ઠુમ્મરે કહ્યું કે, ‘આપ સૌના માધ્યમ, સોશિયલ મીડિયાના માધ્યમથી જે સપોર્ટ મળ્યો છે, તેના માટે ગુજરાતની પ્રજાનો આભાર માનું છું. આપ સૌએ સરકાર પર દબાણ ઉભું કર્યું. હાલ, પાયલને જામીન મળી ચૂક્યા છે.’

અમરેલીમાં તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાના નામવાળો નકલી લેટરપેડ સોશિયલ મીડિયામાં વાયરલ કરવાના મામલે કાનપરિયાએ પોલીસમાં ફરિયાદ કરી હતી. જે કેસમાં પોલીસે ભાજપના પૂર્વ હોદ્દેદાર અને એક યુવતી સહિત 4 કાર્યકરોની ધરપકડ કરી હતી. પરંતુ વિવાદ ત્યારે વકર્યો જ્યારે પોલીસે કથિત લેટરકાંડમાં ધરપકડ કરાયેલી અને ટાઇપિસ્ટનું કામ કરતી પાટીદારની યુવતીનું સરઘસ કાઢ્યું હતું, જેનો ભારે વિરોધ થયો હતો. હવે આજે ત્રીજી જાન્યુઆરીએ આ પાટીદાર યુવતીની જામીન અરજીને લઈને સેશન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી, જેમાં કોર્ટે યુવતીના જામીન મંજૂર કર્યા છે. કોર્ટનો ચુકાદો આવતાં જ કોર્ટ પરિસરમાં ઉપસ્થિત પાટીદાર સહિતના સમાજના લોકોએ ખુશી વ્યક્ત કરી હતી.

સેશન્સ કોર્ટે પંદર હજારના બૉન્ડ પર પાયલ ગોટીને રેગ્યુલર જામીન આપવામાં આવ્યા છે. જો યોગ્ય સમયે તમામ કાર્યવાહી થઈ જશે તો આજે જ પાયલ ગોટી જેલમાંથી મુક્ત થઈ જશે. આવતી કાલે શનિવારે આરોપ મુક્ત કરવાની અરજી પર કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે.

અમરેલીના લેટરકાંડ કેસમાં ગઈકાલે (2 જાન્યુઆરી 2025) 4 આરોપીની જામીન અરજી નીચલી કોર્ટે ફગાવી દીધી હતી. ખોડલધામ સમિતિના સદસ્યો અને અગ્રણીઓ મહિલા પાયલબેન ગોટીની મદદે આવ્યા છે. નીચલી કોર્ટમાં જામીન નામંજૂર થતાં સેશન્સ કોર્ટમાં સમાજે દરવાજા ખટખટાવ્યા હતા અને ત્યારે હવે સેશન્સ કોર્ટે જામીન મંજૂર કર્યા છે.

યુવતીના વકીલ સંદીપ પંડ્યાએ કોર્ટમાં દલીલ કરી હતી કે, ‘રાત્રે 12 વાગ્યે એક સ્ત્રીને ઘરમાંથી દબોચી લેવામાં આવે છે, આ કયા પ્રકારનું પોલીસ તંત્ર છે? પોલીસ તંત્રએ રાજકીય દબાણમાં કામ કરી માર માર્યો તેમજ કોર્ટમાં રિમાન્ડ માંગ્યા હતા, બાદમાં ગત રોજ 169નો રિપોર્ટ ફાઇલ કરીને એવું કહેવામાં આવે છે કે, આ બહેન વિરુદ્ધ ગુનો નથી બનતો. યુવતીની ઉંમર 25 વર્ષની છે, ત્યારે લગ્ન જીવન શરુ થતાં પહેલાં જે તેની આબરુ નિલામ કરવામાં આવી છે તેની ખોટ કોણ પૂરશે?’

Back to top button
error: Content is protected !!