ANANDANAND CITY / TALUKOGUJARAT

બોગસ પેઢીઓ ઊભી કરી ગુજરાત સહિત અલગ-અલગ રાજ્યોના વેપારીઓ સાથે છેતરપિંડી કરનાર આંતરરાજ્ય આરોપીને આણંદ પેરોલ-ફર્લો સ્ક્વોડે ઝડપી પાડ્યો

બોગસ પેઢીઓ ઊભી કરી ગુજરાત સહિત અલગ-અલગ રાજ્યોના વેપારીઓ સાથે છેતરપિંડી કરનાર આંતરરાજ્ય આરોપીને આણંદ પેરોલ-ફર્લો સ્ક્વોડે ઝડપી પાડ્યો

તાહિર મેમણ – આણંદ- 19-08-2026 – આણંદ જિલ્લા પોલીસ દ્વારા નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત આણંદ પેરોલ-ફર્લો સ્ક્વોડને મહત્વની સફળતા મળી છે. બોગસ પેઢીઓ ઊભી કરી ગુજરાત સહિત અલગ-અલગ રાજ્યોના વેપારીઓ સાથે વેપાર કરી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવાના ગુનાઓમાં સંડોવાયેલા આંતરરાજ્ય આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે.

 

પોલીસ મહાનિરીક્ષક સાહેબ, અમદાવાદ વિભાગ, અમદાવાદ દ્વારા નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે આણંદ જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ પેરોલ-ફર્લો સ્ક્વોડ દ્વારા નાસતા-ફરતા આરોપીઓની શોધખોળ માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી.

 

આ દરમિયાન પેરોલ-ફર્લો સ્ક્વોડના પોલીસ કર્મચારીઓને મળેલી બાતમીના આધારે ટીમ દ્વારા ટેક્નિકલ તેમજ હ્યુમન સોર્સનો ઉપયોગ કરીને આરોપીના આશ્રયસ્થાન અંગે માહિતી મેળવવામાં આવી હતી. ત્યારબાદ ટીમ દ્વારા રાજકોટ ખાતે તપાસ હાથ ધરવામાં આવી હતી.

 

પોલીસે આણંદ રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલા રીકિનભાઈ જીનેન્દ્રભાઈ રાવલને રાજકોટ ખાતેથી ઝડપી પાડ્યો હતો. આરોપી અગાઉ વેદાંત એપાર્ટમેન્ટ, ગોપાલી-આણંદ રોડ, આણંદ ખાતે રહેતો હોવાનું અને હાલ શ્રવણ એપાર્ટમેન્ટ, ધનશ્યામનગર, કાલાવાડ રોડ, રાજકોટ ખાતે રહેતો હોવાનું પોલીસની વિગતોમાં જણાવાયું છે.

 

પોલીસના જણાવ્યા મુજબ આરોપી સામે બોગસ પેઢીઓ ઊભી કરી વેપારીઓ પાસેથી માલ મેળવી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવાના આરોપો છે. આણંદ રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં આશરે રૂ. 3 કરોડની છેતરપિંડી સંબંધિત મામલો હોવાનું પ્રેસનોટમાં જણાવાયું છે.

 

આરોપીને ઝડપી પાડ્યા બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેને આણંદ રૂરલ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. આણંદ જિલ્લા પોલીસની પેરોલ-ફર્લો સ્ક્વોડ દ્વારા નાસતા-ફરતા આરોપીઓ સામેની કાર્યવાહી આગળ પણ ચાલુ રાખવામાં આવશે.

Back to top button
error: Content is protected !!