આણંદ એલસીબી અને આણંદ ટાઉન પોલીસની મોટી સફળતા: ચેઇન સ્નેચિંગના ગુનાનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી બે આરોપી મુદ્દામાલ સાથે ઝડપાયા


તાહિર મેમણ – 01/07/2026 – આણંદ, 1 જુલાઈ 2026:
લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) આણંદ અને આણંદ ટાઉન પોલીસને ચેઇન સ્નેચિંગના ગુનાનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલવામાં મહત્વની સફળતા મળી છે. પોલીસે બે આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી ચોરીનો મુદ્દામાલ પણ કબ્જે કર્યો છે.
પોલીસના જણાવ્યા મુજબ, 28 જૂન 2026ની રાત્રે આણંદના 100 ફૂટ રોડ પર આવેલા જયો પેટ્રોલ પંપ નજીક એક મહિલાના ગળામાંથી અંદાજે પાંચ ગ્રામ વજનની સોનાની ચેઇન આંચકી બે શખ્સો ફરાર થઈ ગયા હતા. ઘટનાને પગલે આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અમદાવાદ રેન્જના પોલીસ મહાનિરીક્ષક અને આણંદ જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ એલસીબી તથા આણંદ ટાઉન પોલીસની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. ટીમોએ ઘટનાસ્થળની તપાસ કરી, CCTV ફૂટેજનું વૈજ્ઞાનિક વિશ્લેષણ કર્યું તેમજ આરોપીઓના સંભવિત રૂટ પર સતત નજર રાખી.
તપાસ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે આણંદ APMC મોટી શાક માર્કેટ નજીક વોચ ગોઠવી હતી. બાતમી મુજબનું મોટરસાયકલ આવતા પોલીસે કુનેહપૂર્વક બંને શખ્સોને ઝડપી પાડ્યા હતા.
પકડાયેલા આરોપીઓની પૂછપરછ દરમિયાન તેમણે ચેઇન સ્નેચિંગનો ગુનો કબૂલ્યો હતો. તેમની પાસેથી સોનાની ચેઇનના બે ટુકડા, એક મોટરસાયકલ અને એક મોબાઇલ મળી કુલ અંદાજે રૂ. 1.15 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.
પકડાયેલા આરોપીઓ
તુષાર સુંદરભાઈ મીરચંદાણી, રહેવાસી કઠલાલ, જિલ્લા ખેડા.
રાજેશભાઈ ઉર્ફે રોકેશભાઈ હનીફભાઈ સરાણીયા, રહેવાસી કઠલાલ, જિલ્લા ખેડા.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે બંને આરોપીઓ અગાઉ પણ ચેઇન સ્નેચિંગ અને વાહન ચોરી જેવા ગુનાઓમાં સંડોવાયેલા રહ્યા છે. પોલીસે બંનેની વધુ પૂછપરછ શરૂ કરી છે અને અન્ય ગુનાઓમાં તેમની સંડોવણી અંગે તપાસ ચાલી રહી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, આ કામગીરી એલસીબી અને આણંદ ટાઉન પોલીસની સંયુક્ત ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી. હાલમાં બંને આરોપીઓને કાયદેસરની કાર્યવાહી હેઠળ કોર્ટમાં રજુ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે




