ANANDANAND CITY / TALUKO

વાસદ ટોલ પ્લાઝા પાસે આઇસર ગાડીમાં ભીષણ આગ, કર્મચારીની સમયસૂચકતાથી મોટી હોનારત ટળી

વાસદ ટોલ પ્લાઝા પાસે આઇસર ગાડીમાં ભીષણ આગ, કર્મચારીની સમયસૂચકતાથી મોટી હોનારત ટળી

તાહિર મેમણ – આણંદ – 07/07/2026 – વહેલી સવારે વાસદ ટોલ પ્લાઝા પાસે એક ભયાનક અકસ્માત થતા રહી ગયો હતો. વડોદરા તરફ જઈ રહેલી એક ખાનગી આઇસર ગાડીમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, ઘટના સ્થળે હાજર ટોલ પ્લાઝાના કર્મચારીની સતર્કતા અને તાત્કાલિક કામગીરીને કારણે આ ગંભીર ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી અને મોટી દુર્ઘટના ટળી છે.

 

પ્રાપ્ત વિગતો અનુસાર, સવારે અંદાજે 6:00 વાગ્યાની આસપાસ ગાડી નંબર GJ03 BV 5544 વાસદ ટોલ પ્લાઝાની લાઈન નંબર ત્રણમાંથી પસાર થઈ હતી. ટોલ પસાર કર્યા બાદ ગાડી હજુ માત્ર ૧૦૦ મીટર જેટલી આગળ વધી હતી ત્યાં જ અચાનક એન્જિનના ભાગમાંથી ધુમાડા નીકળવાનું શરૂ થયું હતું અને જોતજોતામાં ગાડીમાં ભીષણ આગ લાગી ગઈ હતી. વહેલી સવારનો સમય હોવા છતાં ટોલ પ્લાઝા પર વાહનોની અવરજવર ચાલુ હતી, જેના કારણે ભયનો માહોલ ઉભો થયો હતો.

 

આઇસર ગાડીમાં આગ લાગતાની જાણ થતા જ ટોલ પ્લાઝા પર ફરજ બજાવતા કર્મચારી ધર્મેન્દ્રસિંહ ઠાકોરે જરા પણ વિલંબ કર્યા વગર ઘટના સ્થળે દોડી ગયા હતા. તેમણે સમયસૂચકતા વાપરી તુરંત જ ટોલ પ્લાઝા પર ઉપલબ્ધ ત્રણ ફાયર એક્સટિંગ્યુશરની બોટલોનો ઉપયોગ કરી આગને વધુ ફેલાતી અટકાવી હતી. તેમની આ તાત્કાલિક પ્રતિક્રિયાને કારણે આગ કારના અન્ય હિસ્સાઓમાં પ્રસરે તે પહેલા જ તેને નિયંત્રિત કરવામાં મહત્વની સફળતા મળી હતી.

 

ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડના જવાનોએ પહોંચીને સંપૂર્ણ રીતે આગ પર કાબૂ મેળવી લીધો હતો, જ્યારે પોલીસે વાહનવ્યવહારને સુરક્ષિત રીતે ડાયવર્ટ કર્યો હતો.

 

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ, ગાડીમાં આગ લાગવાનું મુખ્ય કારણ શોર્ટ સર્કિટ હોવાનું જણાયું છે. ટોલ પ્લાઝા પરના કર્મચારીની સમયસૂચકતા અને સાહસને કારણે ગાડીમાં સવાર મુસાફરો સુરક્ષિત રીતે બહાર નીકળી શક્યા હતા અને મોટી હોનારત નિવારી શકાઈ હતી.

Back to top button
error: Content is protected !!