આણંદ જિલ્લામાં બાળ મજૂરી સામે કડક કાર્યવાહી: ટાસ્કફોર્સના દરોડામાં 02 બાળ શ્રમિકો મુક્ત, સંચાલક સામે ગુનો દાખલ*

આણંદ જિલ્લામાં બાળ મજૂરી સામે કડક કાર્યવાહી: ટાસ્કફોર્સના દરોડામાં 02 બાળ શ્રમિકો મુક્ત, સંચાલક સામે ગુનો દાખલ*

તાહિર મેમણ – આણંદ -02/08/2026 – આણંદ જિલ્લામાં બાળ મજૂરી નાબૂદીના ઉમદા હેતુ સાથે જિલ્લા ટાસ્કફોર્સ સમિતિ દ્વારા જૂન-૨૦૨૬ દરમિયાન સઘન તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં આણંદ જિલ્લાના તાલુકાઓમાં ૦૬ જેટલી સંયુક્ત રેડ દરમિયાન ૦૨ બાળ શ્રમિકોને મુક્ત કરાવી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
આ તપાસ દરમિયાન ઈસ્માઈલનગર વિસ્તારના એક જરદોશી કામના એકમમાંથી અન્ય રાજ્યના બે બાળ શ્રમિકો મળી આવતા આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં બાળ અને તરુણ શ્રમયોગી (પ્રતિબંધ અને નિયમન) અધિનિયમ હેઠળ એફ.આઈ.આર. નોંધવામાં આવી છે. મુક્ત કરાયેલા બંને બાળકોને સુરક્ષા અને પુનર્વસન માટે વિદ્યાનગર ચિલ્ડ્રન હોમમાં સોંપવામાં આવ્યા છે, જ્યારે અન્ય ૦૪ સંસ્થાઓમાં તરુણ શ્રમયોગીઓ મળી આવતા તેમને જરૂરી દસ્તાવેજ પુરા પાડવા માટે નોટિસ આપવામાં આવી છે. જો નિયત સમયમર્યાદામાં આ સંસ્થાઓ દ્વારા પાલન કરવામાં નહીં આવે તો તેમની વિરુદ્ધ નામદાર મજૂર અદાલત, આણંદમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
બાળ મજૂરી નાબૂદીના પ્રયાસોના ભાગરૂપે તારાપુર ખાતે હોટલ એસોસિએશનના સભ્યો માટે વિશેષ જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શ્રમ આયુક્તની કચેરી અને ચાઇલ્ડ લાઇનના સહયોગથી કાયદાકીય જોગવાઈઓ અને સામાજિક દૂષણો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. જિલ્લા ટાસ્કફોર્સના સભ્યો, જેમાં મદદનીશ શ્રમ આયુક્તની કચેરી, ફેક્ટરી નિરીક્ષક, જિલ્લા બાળ સુરક્ષા એકમ અને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના પ્રતિનિધિઓ સામેલ હતા, તેઓએ તમામ એકમોના સંચાલકોને બાળ શ્રમિકો ન રાખવા અને સરકારના આ અભિયાનમાં સહભાગી થવા અનુરોધ કર્યો છે.
આણંદ જિલ્લાના મદદનીશ શ્રમ આયુક્ત દ્વારા જાહેર જનતાને પણ અપીલ કરવામાં આવી છે કે જો જિલ્લામાં કોઈપણ સ્થળે બાળ શ્રમિક કામ કરતો માલુમ પડે, તો તુરંત ચાઇલ્ડ લાઇનના ટોલ ફ્રી નંબર ૧૦૯૮ પર સંપર્ક કરી જાણ કરવા જણાવ્યું છે.




