ANANDUMRETH

ગુજરાત અને મહારાષ્ટ્રની વિધાનસભા પેટાચૂંટણી માટે મતદાન પૂર્ણ, ઉમરેઠમાં સરેરાશ 59 ટકા વોટિંગ

ગુજરાતની એક અને મહારાષ્ટ્રની બે બેઠકો માટે 23મી એપ્રિલ યોજાયેલી પેટાચૂંટણી માટેનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. વહેલી સવારથી જ મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. અગાઉના ધારાસભ્યના નિધન બાદ ખાલી પડેલી આ બેઠક પર આજે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયું છે. સવારે 7 વાગ્યાથી શરૂ થયેલું મતદાન સાંજે 6 વાગ્યા સુધી ચાલ્યું હતું. ત્યારે વિધાનસભાની પેટાચૂંટણીમાં સાંજે 06:00 વાગ્યા સુધીના સરેરાશ મતદાનના આંકડા જાહેર કરવામાં આવ્યા છે.

ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો અનુસાર, 23 એપ્રિલ 2026ના રોજ તમિલનાડુ અને પશ્ચિમ બંગાળની સાથે ગુજરાત અને મહારાષ્ટ્રની કુલ 3 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી માટે મતદાન યોજાયું હતું. ગુજરાતમાં આણંદ જિલ્લાની ઉમરેઠ (111) બેઠક પર કુલ 59.03% મતદાન નોંધાયું છે, જેમાં પુરુષોનું મતદાન 61.52% અને મહિલાઓનું મતદાન 56.34% રહ્યું હતું. તેવી જ રીતે મહારાષ્ટ્રની બારામતી-201 બેઠક પર 57.48% અને રાહુરી-223 બેઠક પર 55.31% મતદાન થયું છે. આ પેટાચૂંટણી પ્રક્રિયા દરમિયાન દિવ્યાંગ મતદારો માટે વ્હીલચેર અને ટ્રાન્સપોર્ટ જેવી ખાસ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.

ગુજરાતની ઉમરેઠ (111) બેઠક પર 5 વાગ્યા સુધીમાં 54.43% મતદાન નોંધાયું છે. બીજી તરફ, મહારાષ્ટ્રની બે મહત્ત્વની બેઠકો પર પણ મધ્યમ મતદાન જોવા મળ્યું છે, જેમાં રાહુરી (223) બેઠક પર 50.68% અને બારામતી (201) બેઠક પર 52.44% જેટલું અંદાજિત મતદાન થયું છે. ચૂંટણી પંચ દ્વારા જારી કરાયેલા આ આંકડાઓ પ્રાથમિક છે અને આખરી આંકડાઓમાં થોડો ફેરફાર થઈ શકે છે.

મતદાન શરૂ થાય તે પહેલાં દરેક મતદાન મથક પર EVM પર એક મોક પોલ કરવામાં આવ્યો હતો. જેમાં ઉમેદવારો દ્વારા નિયુક્ત કરાયેલા મતદાન એજન્ટો હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ઉમરેઠ વિધાનસભા પેટાચૂંટણીમાં ઉમરેઠ તાલુકો અને આણંદ ગ્રામ્ય વિસ્તારના મળીને કુલ 46 ગામોનો સમાવેશ થાય છે અને 3 નગરપાલિકાઓ ઓડ, ઉમરેઠ અને બોરીયાવીનો પણ સમાવેશ થાય છે. આ પેટાચૂંટણીમાં કુલ 06 હરીફ ઉમેદવારો મેદાને છે. 111- ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીમાં 1,26,545 પુરુષ મતદારો, 1,19,072 મહિલા મતદારો અને અન્ય 6 મતદારો મળીને કુલ 2,45,623 મતદારો નોંધાયા છે. ખાસ કરીને યુવા મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જેમાં 4,174 યુવાઓ પ્રથમ વખત મતદાન કરી લોકશાહીના પર્વમાં ભાગીદાર બન્યા છે. આ ઉપરાંત 1,644 જેટલા વરિષ્ઠ નાગરિકો પણ મતદાન કરવા પહોંચ્યા છે.

Back to top button
error: Content is protected !!