
અરવલ્લી
અહેવાલ :- હિતેન્દ્ર પટેલ
અરવલ્લી – મોડાસામાં CNG પંપનો વીડિયો વાયરલ – ગ્રાહકને થયો કડવો અનુભવ,CNG મીટરમાં ગરબડ..!!! સોશિયલ મીડિયામાં ફેલાયો વિડિયો
જિલ્લા તોલમાપન વિભાગ ધ્વારા કેટલાય પંપો ની ચકાસણી માત્ર કાગળ પર થતી હોય તો નવાઈ નહીં.!!!
જિલ્લામાં ચાલતા પ્રેટોલ પંપ કે અન્ય પંપ પર કોઈજ બિલ ગ્રાહકોને આપવામાં આવતા નથી – જવાબદાર કોણ
છૂટક પેટ્રોલ અને ડીઝલ વહેંચાઈ રહ્યું છે છતાં તંત્ર મૌન કેમ..?
અરવલ્લી જિલ્લામાં ઇંધણ પંપો પર ગ્રાહકો છેતરાતા હોવાના કિસ્સાઓ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. મોડાસા શહેર વિસ્તારમાં આવેલા એક CNG પંપનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ભારે ચર્ચા જગાવી છે. વાયરલ થયેલા વીડિયોમાં એક ગ્રાહકે CNG પંપ પર ગેસ ભરાવ્યા બાદ રકમ અને કિલોગ્રામના મીટરમાં ગડબડ હોવાનો આક્ષેપ કર્યો છે.
વાયરલ વીડિયોમાં ગ્રાહક જણાવે છે કે CNG પંપ પર ગાડીમાં ગેસ ભરાવ્યા બાદ મીટરની ડિસ્પ્લે પર પ્રથમ ₹626 દર્શાવવામાં આવે છે, પરંતુ થોડી જ ક્ષણોમાં એ જ મીટર પર રકમ ₹526 બતાવવામાં આવે છે. જેના કારણે ગ્રાહકને ગેસના કિલોગ્રામ અને વસૂલાત અંગે શંકા ઉદભવી છે.ગ્રાહકનો આક્ષેપ છે કે આ પહેલા પણ આ જ પંપ પર તેઓ છેતરાયા હતા અને ગેસના વજનની સરખામણીએ વધુ રકમ લેવામાં આવી હતી. આ વખતે ફરી કડવો અનુભવ થતાં અને રકમમાં તફાવત જણાતાં તેમણે સમગ્ર ઘટનાનો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.વાયરલ વીડિયોમાં વધુમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે CNG મીટર પંપ પર કોઈ આવરણ (કવર) હટાવ્યા બાદ રકમમાં ફેરફાર જોવા મળે છે. ગ્રાહકનો દાવો છે કે દરેક વખતમાં અંદાજે ₹100 જેટલી વધુ રકમ વસૂલવામાં આવે છે, જે ગંભીર બાબત છે.હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વાયરલ વીડિયોની વાત્સલ્યમ સમાચાર દ્વારા સ્વતંત્ર પુષ્ટિ કરવામાં આવતી નથી, પરંતુ ઘટનાને લઈને ગ્રાહકોમાં રોષ જોવા મળી રહ્યો છે. લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે સંબંધિત તોલમાપ વિભાગ અને જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય તપાસ હાથ ધરવામાં આવે, જેથી સત્ય હકીકત સામે આવી શકે અને ગ્રાહકો સાથે થતી શક્ય છેતરપિંડી અટકાવી શકાય.




