વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અંજાર કચ્છ.
અંજાર,તા-૧૮ સપ્ટેમ્બર : અંજાર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા-૨૦૨૫ કાર્યક્રમ અંતર્ગત સ્વચ્છતા અંગે લોકોમાં જાગૃતતા આવે તે હેતુથી સ્વચ્છતા રેલીનું શહેરમાં આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં ધારાસભ્યશ્રી ત્રિકમભાઇ છાંગા સહિત નગરપાલિકાના પદાધિકારીશ્રીઓ તથા અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
શહેરમાં નીકળેલી સ્વચ્છતા રેલીમાં હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ સાથે અગ્રણીઓ સહભાગી થયા હતા. આસપાસ તેમજ પર્યાવરણને સ્વચ્છ રાખવા તેમજ પ્લાસ્ટીકનો ઉપયોગ ઘટાડવા સહિતના સૂત્રો અને સાઇનબોર્ડના માધ્યમથી શહેરીજનોને સ્વચ્છતાનો સંદેશ પાઠવાયો હતો.
ઉલ્લેનીય છે કે, ભારત સરકારશ્રી દ્વારા ૨જી ઓક્ટોબરનાં રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિતે સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણીનું આહવાન કરવામાં આવ્યું છે. આ વર્ષે સ્વચ્છ ભારત મિશનનાં ૧૧ વર્ષની ઉજવણીના ભાગરૂપે ‘‘સ્વચ્છતા હી સેવા ૨૦૨૫’’ ને “સ્વચ્છોત્સવ તરીકે ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વચ્છ ભારત દિવસની ઉજવણીનાં ભાગરૂપે ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન તા. તા.૨ ઓક્ટોબર, ૨૦૨૫ સુધી “સ્વચ્છતા હી સેવા-૨૦૨૫” પખવાડિયાની ઉજવણી કરાશે. “સ્વચ્છતા હી સેવા-૨૦૨૫” અંતર્ગત વિવિધ કાર્યક્રમો જેમ કે, સામાન્ય સફાઈની કામગીરી અંતર્ગત તમામ વાણીજ્ય વિસ્તાર, રહેણાંક વિસ્તારો અને સ્લમ વિસ્તારોની સફાઈ, બાગ-બગીચાઓ, ફૂટપાથ તેમજ થીમ આધારિત સફાઈ કામગીરીમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ હબ અને હાઇવે, ધાર્મિક અને પ્રવાસન સ્થળો નદી, તળાવો, સર્કલ, પ્રતિમાઓ, સરકારી કચેરીઓ, શહેરના એન્ટ્રી પોઈન્ટ વિગેરેની સફાઈ ઝુંબેશનું આયોજન કરવામાં આવેલું છે. તેમજ IEC પ્રવૃત્તિ અન્વયે “સ્વચ્છતા હી સેવા” ના લોગો સાથે સેલ્ફી પોઈન્ટ બનાવી સ્વચ્છતા જાગૃતિ કેળવી, સ્વચ્છતા રેલી, યોગ શિબિર, સ્વચ્છ વોર્ડ સ્પર્ધા, શાળા-કોલેજોમાં સ્વચ્છતા અંગે ક્વીઝ, રંગોળી, ચિત્ર, સૂત્રો, નિબંધો, કવિતા, વોલ પેન્ટિંગ, સફાઈ મિત્ર સુરક્ષા શિબિર, વૃક્ષારોપણ, શેરી નાટક, વેસ્ટ ટુ આર્ટ ફેસ્ટ વિગેરે જેવી પ્રવૃતિઓ હાથ ધરવામાં આવનાર છે.