
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મોડાસામાં મહિલા પોલીસ સ્ટેશન નજીક શામળાજી રોડ પર વૃક્ષની ડાળ તૂટી પડતા મોટી દુર્ઘટના ટળી –
અરવલ્લી, મોડાસા: મોડાસા શહેરના શામળાજી-મોડાસા રોડ પર મહિલા પોલીસ સ્ટેશન નજીક શુક્રવારે અચાનક વૃક્ષની મોટી ડાળ તૂટી પડતાં મોટી દુર્ઘટના ટળી હતી. મુખ્ય માર્ગ પર ડાળ ધરાશાયી થતાં થોડા સમય માટે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો અને ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી

ઘટના દરમિયાન વૃક્ષની ડાળ રસ્તા પર ઉભેલી એક લારી પર પડી, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ કે ઇજા થઈ નહોતી. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો અને રાહદારીઓ તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. સ્થાનિકોએ જાતે જ વૃક્ષની ડાળ હટાવી વાહનવ્યવહારને ફરીથી શરૂ કરાવ્યો હતો.આ ઘટના બાદ પ્રિમોન્સૂન કામગીરીની અસરકારકતા સામે અનેક સવાલો ઊભા થયા છે. વરસાદી મોસમ શરૂ થતાં પહેલાં જોખમી અને સૂકી વૃક્ષોની ડાળીઓ દૂર કરવાની કામગીરી પૂરતી થઈ છે કે નહીં તે અંગે લોકોમાં ચર્ચા શરૂ થઈ છે.સ્થાનિકોએ તંત્ર પાસે માંગ કરી છે કે જાહેર માર્ગો પર આવેલા જોખમી વૃક્ષોનું તાત્કાલિક સર્વેક્ષણ કરીને સૂકી અને જોખમી ડાળીઓ દૂર કરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ટાળી શકાય અને લોકોની સુરક્ષા સુનિશ્ચિત બની રહે.




