
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લા પ્રભારી સચિવ રૂપવંતસિંઘની અધ્યક્ષતામાં જિલ્લા ICDS અને જિલ્લા શિક્ષણ વિભાગની બેઠક મળી

સ્વસ્થ અને શિક્ષિત બાળકો દેશની આવતીકાલ છે. તેમના થકી રાજ્ય અને દેશનું ઉજ્જવળ ભવિષ્ય છે. આ બાળકોના પોષણ અને શિક્ષણ માટે ગુજરાત સરકાર સતત કાર્યરત છે. વિવિધ યોજનાઓ થકી બાળકોના પોષણ અને શિક્ષણ માટે સરકાર સતત પ્રયત્નશીલ રહે છે.
અરવલ્લી જિલ્લાના પ્રભારી સચિવ રૂપવંતસિંઘના અધ્યક્ષસ્થાને આજે જિલ્લાના ICDS અને શિક્ષણ વિભાગની બેઠક યોજાઈ. જેમાં ICDS વિભાગ દ્વારા યોજાનાર આંગણવાડી પ્રવેશોત્સવ ૨૦૨૬-૨૭ , બાળક પાલક સર્જન કાર્યક્રમ અંગે ગહન ચર્ચા કરવામાં આવી. આ કાર્યક્રમ અંતર્ગત બાળકોના આંગણવાડીમાં પ્રવેશ અંગે માતાપિતાને માર્ગદર્શન આપી જાગૃતિ કેળવવામાં આવશે. સાથેજ આંગણવાડીમાં પ્રવેશ મેળવનારા બાળકોનો ભવ્ય પ્રવેશોત્વ કાર્યક્રમ યોજી તેમને પ્રોત્સાહિત કરવામાં આવશે. આ સાથેજ જિલ્લામાં ચાલી રહેલા પોષણ સંગમ અભિયાન વિશે પણ ચર્ચા કરવામાં આવી. જેમાં કુપોષિત, અતિ કુપોષિત બાળકોને પોષણયુક્ત ભોજન, પરિવારજનોને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવતું હોવાની પણ વાત કરવામાં આવી.
આ સાથેજ પ્રભારી સચિવ દ્વારા જિલ્લામાં ચાલી રહેલા બેક ટુ સ્કૂલ સર્વે અંગે પણ માહિતી મેળવવામાં આવી. આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લામાં ડ્રોપ આઉટ રેશિયો અંગે સર્વે હાથ ધરાયો છે. જેને આધારે જિલ્લાનો ડ્રોપ આઉટ રેશિયો કેવી રીતે ઘટાડી શકાય તે અંગે રોડ મેપ પણ તૈયાર કરવા અંગે વિચારણા કરવામાં આવી. આ સાથે તેમને જિલ્લાની પીએમશ્રી શાળાની મુલાકાત લઈને માર્ગદર્શન પણ આપ્યું હતું.આજની બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી દીપેશ કેડિયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રાજેશ કૂચારા , જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નૈનેશ દવે, જિલ્લા Icds આધિકારી મનીષાબેન, જિલ્લા માહિતી અધિકારી નિધિ જયસ્વાલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.





