
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મેઘરજ – સગીરાનું અપહરણ કરી એક મહિના સુધી ગોંધી રાખી દુષ્કર્મનો આરોપ, બે શખ્સો સામે ગુનો નોંધાયો – પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં સગીરાનું અપહરણ કરી તેને એક મહિનાથી વધુ સમય સુધી ગોંધી રાખી શારીરિક શોષણ આચરવાના ગંભીર મામલે મેઘરજ પોલીસે બે શખ્સો વિરુદ્ધ અપહરણ, દુષ્કર્મ, પોક્સો એક્ટ, એટ્રોસિટી એક્ટ તથા ધમકીની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ફરિયાદ મુજબ મેઘરજ તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારની સગીરા સાંજે ઘર નજીક કુદરતી હાજતે ગઈ હતી ત્યારે ધાંધીયા ગામના મેહુલસિંહ જુગતસિંહ ખોખર રાઠોડ અને કમલેશભાઈ કકવાભાઈ સડાત મોટરસાઈકલ લઈને આવ્યા હતા. આરોપી કમલેશએ સગીરાના ભાઈને મારી નાખવાની ધમકી આપી બળજબરીપૂર્વક તેને મોટરસાઈકલ પર બેસાડી લઈ ગયો હતો.ત્યારબાદ બંને આરોપીઓ સગીરાને પહેલા મેઘરજ, પછી મોડાસા અને ત્યારબાદ અમદાવાદ લઈ ગયા હતા. અમદાવાદમાં એક રૂમમાં ચાર દિવસ સુધી ગોંધી રાખ્યા બાદ સગીરાને ધાંધીયા ગામે આવેલા મેહુલના જૂના ઘરે લઈ જવામાં આવી હતી. ત્યાં મેહુલસિંહે લગ્ન કરવાની લાલચ આપી સગીરા સાથે શારીરિક સંબંધ બાંધ્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ દરમિયાન સગીરાને ઘરમાં પૂરી રાખવામાં આવી હતી.સગીરાના પરિવારજનોએ શોધખોળ શરૂ કરતાં પાંચ દિવસ બાદ મેહુલના માતા-પિતાએ સગીરાને મેઘરજ પોલીસ સ્ટેશને લઈ આવ્યા હતા. ત્યારબાદ સગીરાને ભિલોડા તાલુકામાં રહેતી તેની માસીના ઘરે મોકલવામાં આવી હતી. જોકે બે દિવસ બાદ બંને આરોપીઓ ફરી રીક્ષા લઈને ત્યાં પહોંચ્યા હતા અને સગીરાને પરત ધાંધીયા ગામે લઈ ગયા હતા.
પરિવારજનો સગીરાને લેવા માટે મેહુલના ઘરે પહોંચ્યા ત્યારે આરોપીઓએ જાતિ પ્રત્યે અપમાનજનક શબ્દો ઉચ્ચારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ફરિયાદ મુજબ આરોપીઓએ “અમારા ફળિયામાં આવશો તો જીવતા નહીં છોડીએ” તેવી ધમકી પણ આપી હતી.
આ પછી સગીરાને થોડા સમય માટે તેના ગામે મોકલવામાં આવી હતી, પરંતુ અઠવાડિયા બાદ બંને આરોપીઓ ફરી મોટરસાઈકલ લઈને આવ્યા અને સગીરાને ઉઠાવી ગયા હતા. સગીરાને લગભગ એક મહિના સુધી આરોપીના ઘરે ગોંધી રાખવામાં આવી હતી. અંતે ઈસરી પોલીસે કાર્યવાહી કરી સગીરાને આરોપીના ઘરેથી મુક્ત કરાવી પરિવારને સોંપી હતી.
ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે આરોપીઓ દ્વારા સામાજિક બહિષ્કાર કરાવી પતાવી દેવાની ધમકીઓ આપવામાં આવતી હોવાથી અને સમાજમાં આબરૂ જવાના ડરથી અગાઉ પોલીસ ફરિયાદ કરવામાં આવી નહોતી.
આ સમગ્ર મામલે સગીરાની માતાએ મેઘરજ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે મેહુલસિંહ જુગતસિંહ ખોખર રાઠોડ અને કમલેશભાઈ કકવાભાઈ સડાત, બંને રહે. ધાંધીયા તા. મેઘરજ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી અને ગણતરીના કલાકોમાં મેઘરજ પોલીસે બંને આરોપીઓ ને ઝડપી પાડ્યા હતા





