
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
માલપુરના જેસવાડી પાસે ભેંસોથી ભરેલી આઇસર ટ્રક ઝડપાઈ, બે શખ્સોની અટકાયત
અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના જેસવાડી સ્ટેન્ડ નજીક પોલીસે પશુ ક્રૂરતાનો મોટો મામલો ઝડપી પાડ્યો છે. જનરક્ષક મોબાઇલને મળેલી બાતમીના આધારે પોલીસે ટાટા કંપનીની આઇસર ગાડી નં. GJ-27-TD-6070ને અટકાવી તપાસ કરતાં અંદર 16 ભેંસોને અત્યંત ક્રૂરતાપૂર્વક ભરેલી હાલતમાં મળી આવી હતી.

પોલીસ તપાસ દરમિયાન ભેંસોને ગળા, પગ અને મોઢાના ભાગે દોરડાથી બાંધી ખીચોખીચ ભરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું તેમજપશુઓ મરતોલ હાલતમાં જોવા મળેલ અને પશુઓ કતલખાને લઈ જવામાં આવી રહ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.આ મામલે પોલીસે ગાડીના ચાલક સલાઉદ્દીન યુસુફભાઈ મુલતાની (રહે. રાણાસૈયદ, મોડાસા) તથા તેની સાથે રહેલા અખ્તર ખીમા મુલતાની (રહે. રાણાસૈયદ, મોડાસા)ની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે 16 ભેંસોની અંદાજિત કિંમત રૂ.4 લાખ અને આઇસર ગાડીની કિંમત રૂ.6 લાખ મળી કુલ રૂ.10 લાખનો મુદ્દામાલ કબજે લીધો છે. પશુઓને સુરક્ષિત રાખવા માટે ઇડર પાંજરાપોળ ખાતે મોકલવામાં આવ્યા છે. આરોપીઓ વિરુદ્ધ ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમની કલમ 5, 6, 6(A), 8(3), 10, પશુ ક્રૂરતા નિવારણ અધિનિયમ કલમ 11(1)(E)(F) તેમજ મોટર વ્હીકલ એક્ટની કલમ 192 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે



