
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મોડાસા :તેલીબિયાં યોજના હેઠળ મગફળીની ખરીદીમાં નેનો DAP ફરજિયાત આપવાના આક્ષેપ સાથે ખેડૂતોમાં રોષ

અરવલ્લી જિલ્લામાં તેલીબિયાં યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતી મગફળીની ખરીદી દરમિયાન નેનો DAPની બોટલો ફરજિયાત ખરીદવા માટે દબાણ કરવામાં આવતું હોવાના આક્ષેપો સામે આવ્યા છે. આ મુદ્દે છેલ્લા બે દિવસથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.ખેડૂતોના જણાવ્યા મુજબ ચાર બેગ મગફળીની ખરીદી સાથે ચાર નેનો DAPની બોટલો લેવી ફરજિયાત બનાવવામાં આવી રહી છે. જેના બદલામાં ખેડૂતો પાસેથી અંદાજે રૂ. 1,200 વસૂલવામાં આવી રહ્યા હોવાનું જણાવાયું છે. ખેડૂતોનો આક્ષેપ છે કે જો તેઓ નેનો DAPની બોટલો લેવા ઇનકાર કરે તો મગફળીની ખરીદીમાં વિલંબ કરવામાં આવે છે અથવા મુશ્કેલીઓ ઉભી કરવામાં આવે છે.ખેડૂતોનું વધુમાં કહેવું છે કે છેલ્લા બે દિવસથી ખરીદી કેન્દ્રો પર વારંવાર ધક્કા ખાવા પડી રહ્યા છે. કેટલાક ખેડૂતોનો આક્ષેપ છે કે નેનો DAPની બોટલો કોઈ નિર્ધારિત ટાર્ગેટ પૂર્ણ કરવા માટે ફરજિયાત આપવામાં આવી રહી છે તેવા પણ આક્ષેપો થઈ રહ્યા છે આ ઉપરાંત ખેડૂતોનો એવો પણ દાવો છે કે નેનો DAPની બોટલો આપતી વખતે કોઈ સત્તાવાર પરિપત્ર કે બિલ આપવામાં આવતું નથી, જેના કારણે સમગ્ર પ્રક્રિયા અંગે અનેક સવાલો ઊભા થયા છે.ખેડૂતો દ્વારા આ મામલે તંત્ર સમક્ષ રજૂઆતો કરવામાં આવી રહી છે અને ફરજિયાત ખરીદીની પ્રથાને તાત્કાલિક બંધ કરવાની માંગ ઉઠી છે




