
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી: પ્રિ-મોન્સૂન એક્ટિવીટી તેજ ,અરવલ્લી-સાબરકાંઠામાં મેઘરાજાની એન્ટ્રી, વાતાવરણમાં ઠંડક

ગુજરાત સહિત ઉત્તર ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી અસહ્ય ગરમી અને ઉકળાટ વચ્ચે શનિવારે વહેલી સવારે હવામાનમાં અચાનક મોટો પલટો આવતા આકાશે કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદ ખાબક્યો હતો. લાંબા સમયના બફારા બાદ મેઘરાજાની એન્ટ્રી થતાં જ સમગ્ર પંથકના તાપમાનમાં મોટો ઘટાડો નોંધાયો હતો અને લોકોને ગરમીમાંથી રાહત મળી હતી.
અરવલ્લી જીલ્લામાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર, મોડાસા, માલપુર અને ભિલોડા તાલુકા સહિત પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી પંથકમાં પણ વહેલી સવારથી વરસાદ તૂટી પડ્યો હતો. ગ્રામ્ય વિસ્તારોની વાત કરીએ તો માલપુર નગર ઉપરાંત ભિલોડાના વાશેરાકંપા અને સુનોખ તેમજ મોડાસાના ઇસરોલ, જીતપુર અને જીવણપુર પંથકમાં પણ વરસાદ નોંધાયો હતો. છેલ્લા કેટલાક દિવસોથી ઉત્તર ગુજરાતના આ વિસ્તારોમાં પારો સતત ઊંચો રહેતો હતો અને લોકો અસહ્ય ઉકળાટથી તોબા પોકારી ઉઠ્યા હતા, ત્યારે આ વરસાદે લોકોને મોટી રાહત આપી છે.
સાબરકાંઠા જીલ્લામાં ભારે ઉકળાટ બાદ પડેલા આ વરસાદી છાંટાના કારણે વાતાવરણમાં એકાએક ઠંડક પ્રસરી ગઈ હતી. જિલ્લાના અનેક ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં હજુ પણ વાદળછાયું વાતાવરણ બનેલું છે, જેને પગલે સ્થાનિક રહીશોને કાળઝાળ ગરમીમાંથી આંશિક રાહત મળતા લોકોએ હાશકારો અનુભવ્યો હતી વાતાવરણમાં આવેલા અચાનક પલટાથી વાતાવરણ આહલાદક બની ગયું હતું.





