
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી ના અમલાઈ ગામમાં ભાજપમાં મોટું ગાબડું; ૨૦૦ થી વધુ લોકો ખેડૂત અને પશુપાલકોના મુદ્દે કોંગ્રેસમાં જોડાયા

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના અમલાઈ ગામે આજે ભાજપને મોટો ફટકો પડ્યો છે. ભાજપની નીતિઓથી નારાજ થઈને ગામના ૨૦૦ થી વધુ સક્રિય કાર્યકરો, મહિલાઓ અને ગ્રામજનોએ કેસરીયો છોડી કોંગ્રેસનો પંજો પકડ્યો છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરૂણભાઈ પટેલ અને પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોરની ઉપસ્થિતિમાં આ તમામ લોકોએ વિધિવત રીતે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો.કોંગ્રેસમાં જોડાયેલા લોકોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે, વર્તમાન સરકારમાં ખેડૂતો અને પશુપાલકોની હાલત અત્યંત દયનીય બની છે. ખેતીના પાકો અને દૂધના વ્યવસાયમાં મહેનતના પ્રમાણમાં પોષણક્ષમ ભાવ ન મળતા હોવાથી ગ્રામીણ જનતામાં ભારે રોષ છે. ભાજપ શાસનથી કંટાળીને આખરે આ વિસ્તારના લોકોએ કોંગ્રેસની વિચારધારા પર વિશ્વાસ મૂક્યો છે.આ પ્રસંગે ઉપસ્થિત અરૂણભાઇ પટેલ, રાજેન્દ્રસિંહ ઠાકોર, રાકેશભાઇ વણકર, દોલાભાઇ સહિતના અગ્રણીઓએ નવા જોડાયેલા કાર્યકરોને આવકાર્યા હતા. કાર્યક્રમના અંતે આગામી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં કોંગ્રેસના તમામ ઉમેદવારોને જંગી બહુમતીથી વિજયી બનાવવાનો મક્કમ નિર્ધાર કરવામાં આવ્યો હતો. આ પક્ષપલટાને કારણે સ્થાનિક રાજકારણમાં મોટો ગરમાવો જોવા મળી રહ્યો છે અને કોંગ્રેસનું પલ્લું ભારે થતું દેખાઈ રહ્યું છે.





