
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મોડાસાના કોલેજ છાપરા વિસ્તારમાં ડિમોલેશન કામગીરી: 24 જેટલા કાચા-પાકા મકાનો દૂર કરાયા, સ્થાનિકોના વિરોધ વચ્ચે તંત્રની કાર્યવાહી
અરવલ્લી, મોડાસા:
મોડાસા શહેરના કોલેજ છાપરા વિસ્તારમાં ગુરુવારે તંત્ર દ્વારા દબાણ દૂર કરવાની વિશાળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન અંદાજે 24 જેટલા કાચા-પાકા રહેણાંક મકાનો પર બુલડોઝર ફેરવી દબાણો દૂર કરવામાં આવ્યા હતા

કાર્યવાહી દરમિયાન બે JCB મશીનોની મદદથી મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. સ્થળ પર કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 10 જેટલા પોલીસ વાહનો સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. કામગીરી દરમિયાન મોટી સંખ્યામાં સ્થાનિક લોકો એકત્ર થયા હતા અને કેટલાક લોકોએ વિરોધ પણ નોંધાવ્યો હતો.ડિમોલેશન દરમિયાન પ્રાંત અધિકારી, મોડાસા નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સ્થળ પર હાજર રહી સમગ્ર કામગીરીની દેખરેખ રાખી હતી.

સ્થાનિક રહિશોનો આક્ષેપ હતો કે તેમને મકાનો ખાલી કરવા અંગે કોઈ નોટિસ આપવામાં આવી નહોતી, જેના કારણે અચાનક કરવામાં આવેલી કાર્યવાહીથી તેઓ મુશ્કેલીમાં મુકાયા છે.જોકે, આ અંગે પ્રાંત અધિકારીએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે બે વર્ષ અગાઉ જ સંબંધિત રહિશોને નોટિસ આપવામાં આવી હતી અને કાયદેસરની મુદત પૂર્ણ થયા બાદ દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.ડિમોલેશન કામગીરીને લઈને સમગ્ર વિસ્તારમાં ભારે ચહલપહલ જોવા મળી હતી અને પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હતી.




