
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી – વસ્તીગણતરીમાં શૌચાલયના આંકડાઓમાં વિસંગતતા..? જિલ્લામાં મોટા કૌભાંડની ચર્ચાએ જોર પકડ્યું, શૌચાલયની સહાયના રૂપિયા ગયા ક્યાં…?
શિક્ષકો સાચી માહીની ને હવે ખોટી દર્શાવશે કે પછી સત્ય હકીકત જ રહેવા દેશે..!!
અરવલ્લી જિલ્લામાં ચાલી રહેલી વસ્તીગણતરી દરમિયાન શૌચાલય સંબંધિત આંકડાઓમાં વિસંગતતા સામે આવી હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત વર્ષો દરમિયાન હજારો લાભાર્થીઓને ઘરેલુ શૌચાલય માટે સહાય આપવામાં આવી હતી. પરંતુ વસ્તીગણતરી દરમિયાન અનેક પરિવારોના ઘરે શૌચાલય ન હોવાનું નોંધાતા સમગ્ર મામલે ગંભીર સવાલો ઊભા થયા છે

મેઘરજ, માલપુર, બાયડ, ધનસુરા, ભિલોડા અને મોડાસા સહિતના તાલુકાઓમાં સ્વચ્છ ભારત મિશન હેઠળ લાભાર્થીઓને શૌચાલય માટે સહાય આપવામાં આવી હતી. હવે વસ્તીગણતરીના પ્રાથમિક આંકડાઓમાં ઘણા સ્થળોએ શૌચાલયની સંખ્યા ઓછી જોવા મળતાં લાભાર્થીઓએ ખરેખર નવા શૌચાલય બનાવ્યા હતા કે નહીં, અથવા જૂના શૌચાલયના આધારે સહાય મેળવી હતી કે કેમ, તે અંગે ચર્ચાઓ શરૂ થઈ છે.
શિક્ષકો માટે પડકાર
સૂત્રોના જણાવ્યા મુજબ, વસ્તીગણતરીમાં શૌચાલયના આંકડાઓમાં વિસંગતતા સામે આવતાં કેટલાક વિસ્તારોમાં માહિતી ફરી ચકાસવા અને સુધારવા માટે શિક્ષકોને સૂચનાઓ આપવામાં આવી રહી હોવાની ચર્ચા છે. આ સ્થિતિમાં શિક્ષકો સામે સૌથી મોટો પડકાર પ્રમાણિકતા જાળવવાનો છે. જો વાસ્તવિક સ્થિતિથી વિપરીત માહિતી નોંધવામાં આવે તો તેમની વિશ્વસનીયતા પર પણ પ્રશ્નો ઊભા થઈ શકે છે. કેટલાક શિક્ષકોનું કહેવું છે કે જો આંકડામાં ફેરફાર કરાવવો હોય તો જવાબદાર તંત્ર લેખિતમાં સૂચના આપે.
શૌચાલયની સહાયના રૂપિયા ગયા ક્યાં…?
સ્વચ્છ ભારત મિશન હેઠળ એક શૌચાલય માટે અંદાજે ₹ 12,000ની સહાય આપવામાં આવે છે.જોકે, કેટલાક સ્થળોએ લાભાર્થીઓના ઘરે શૌચાલય ન હોવાનું સામે આવતાં પ્રશ્ન ઊભો થયો છે કે જો શૌચાલય બન્યા જ ન હોય તો સહાય કેવી રીતે ચૂકવવામાં આવી…? જો આ બાબત તપાસમાં સાચી સાબિત થાય તો સરકારી નાણાંના ઉપયોગ અંગે ગંભીર સવાલો ઊભા થઈ શકે છે.
વિસંગતતાનું ઉદાહરણ
ચર્ચા મુજબ, જો કોઈ એક ગ્રામ પંચાયતમાં 150 લાભાર્થીઓને શૌચાલય માટે સહાય ચૂકવવામાં આવી હોય, પરંતુ વસ્તીગણતરી દરમિયાન ત્યાં માત્ર 70થી 80 શૌચાલયો જ અસ્તિત્વમાં હોવાનું નોંધાય, તો બંને આંકડાઓ વચ્ચેનો તફાવત તપાસનો વિષય બની શકે છે. જોકે, માત્ર આંકડાના તફાવત પરથી ગેરરીતિ થઈ હોવાનું નિશ્ચિત કહી શકાય નહીં. તેના અન્ય કારણો પણ હોઈ શકે છે, જેમ કે શૌચાલય તૂટી જવું, ઉપયોગમાં ન હોવું, નોંધણીની ભૂલ અથવા માહિતી એકત્રિત કરવામાં થયેલી ક્ષતિ. તેથી સમગ્ર મામલે સત્તાવાર તપાસ બાદ જ વાસ્તવિક હકીકત સામે આવી શકશે.
જો આ વિસંગતતાઓ મોટા પાયે સાચી સાબિત થાય, તો સ્વચ્છ ભારત મિશનના અમલીકરણ અને સહાયની ચૂકવણી અંગે મોટા કૌભાંડની શક્યતા નકારી શકાય નહીં.




