
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લીમાં ભાજપના શાસનમાં વિકાસના નામે મીંડું : ૧૨ વર્ષથી સિવિલ હોસ્પિટલના ઠેકાણા નથી, એઆઈસીસી સેક્રેટરી શુભાષિની યાદવનો સરકાર પર આકરો પ્રહાર

અરવલ્લી જિલ્લાના ચૂંટણી પ્રવાસે આવેલા એઆઈસીસીના સેક્રેટરી અને ઉત્તરઝોન પ્રભારી શુભાષિની યાદવજીએ ભાજપ સરકારની નિષ્ફળતાઓ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું છે કે, રાજ્ય સરકાર જનતાને પાયાની સુવિધાઓ આપવામાં સંપૂર્ણ નિષ્ફળ નીવડી છે. મોડાસા તાલુકાના જીવણપુર ખાતે આયોજિત વિશેષ બેઠકમાં તેઓએ તાલુકા પ્રમુખશ્રીઓ અને નગરપાલિકા સહિતના ઉમેદવારોને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપ્યું હતું અને ભાજપના શાસનમાં અરવલ્લીની દુર્દશા અંગે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો.
શુભાષિની યાદવજી એ જણાવ્યું કે, અરવલ્લી જિલ્લાની સ્થાપનાના ૧૨ વર્ષ વીતવા છતાં પણ પ્રજાને હજુ સુધી સિવિલ હોસ્પિટલની સુવિધા મળી નથી. પ્રજાને આરોગ્યની સેવા પૂરી પાડવી એ સરકારની પ્રાથમિક જવાબદારી છે, પરંતુ અહીંની જનતાને ભગવાન ભરોસે છોડી દેવામાં આવી છે. મોડાસા-નડિયાદ રસ્તાને ફોરલેન બનાવવાની જાહેરાત થયાને આઠ-આઠ વર્ષના વહાણા વાઈ ગયા હોવા છતાં કામગીરીના નામે શૂન્ય છે. તેવી જ રીતે પવિત્ર યાત્રાધામ શામળાજીમાં છેલ્લા ૧૫ વર્ષથી રસ્તા, શૌચાલય અને રિવરફ્રન્ટની કામગીરી અધ્ધરતાલ છે અને પુનઃ વિસ્થાપિતોને હજુ સુધી કોઈ લાભ મળ્યો નથી. જિલ્લામાં રિવાઈઝ ટીપી સ્કીમ વર્ષોથી મંજૂર થતી નથી અને સમગ્ર જિલ્લાના રસ્તાઓની હાલત અત્યંત બિસ્માર અને ભંગાર થઈ ગઈ છે.આ પ્રસંગે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અરૂણભાઇ પટેલે જણાવ્યું કે ભાજપ શાસનમાં ખેડૂતો અને પશુપાલકોની હાલત કફોડી બની છે, તેમને ખેતપેદાશોના પોષણક્ષમ ભાવ મળતા નથી અને જિલ્લો હજુ પણ યુનિવર્સિટીના લાભથી વંચિત છે. આ બેઠકમાં પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર, જશુભાઇ પટેલ, પૂર્વ પ્રમુખ કમલેન્દ્રસિંહ પુવાર સહિત જિલ્લા અને તાલુકાના તમામ ઉમેદવારો અને પક્ષના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસે આ વખતે જનતાના પક્ષે રહી આ લડાઈને વધુ તેજ બનાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે.





