Rajkot: “સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી – ૨૦૨૬” જનજાગૃતિ : હવે દવાની ખરીદી સાથે મતદાનની યાદ અપાવશે બિલ

તા.૧૭/૪/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
જિલ્લા ચૂંટણી તંત્રની પહેલ-મેડિકલ સ્ટોરમાં જતા ગ્રાહકોને ‘મારો મત મારો અધિકાર – મતદાન અચૂક કરીએ’ ની અપીલ કરાવતો સ્ટેમ્પ જોવા મળશે
Rajkot: ‘લો ભાઈ આ દવાનું બિલ..’, બિલ જોતાં જ ગ્રાહકોને તા. ૨૬ એપ્રિલના રોજ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી અંગે મતદાનની માહિતી આપતો સ્ટેમ્પ પણ જોવા મળી રહ્યો છે. આ સ્ટેમ્પ ગ્રાહકોને દવા લેતા લેતા તેમની મતદાન કરવાની ફરજ પણ યાદ કરાવશે.

રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ‘સ્વેપ’ પ્રવૃત્તિ અંતર્ગત રાજકોટના મેડિકલ સ્ટોરમાં દવાના બિલમાં તા. ૨૬ ના રોજ યોજાનાર તાલુકા-જિલ્લા પંચાયત / મહાનગરપાલિકા / ગોંડલ નગરપાલિકા સામાન્ય / પેટા ચૂંટણી – ૨૦૨૬ મતદાન તારીખ અને ‘મારો મત મારો અધિકાર– મતદાન અચૂક કરીએ’ નો સંદેશ પણ દર્દીના પરિવાજનોને આપવામાં આવી રહ્યો છે.

આ અંગે માહિતી આપતા ‘સ્વેપ’ ના નોડલ અધિકારી શ્રી શ્રી જીજ્ઞાશાબેન ગઢવીએ જણાવ્યું છે કે, મતદાન જાગૃતિ અર્થે અનેક સંસ્થાઓ હાલ સહયોગ આપી રહી છે. શહેર તેમજ જિલ્લા કક્ષાએ મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. જે પૈકી આરોગ્ય વિભાગના સહયોગથી ખાનગી મેડિકલ સ્ટોર ઉપરાંત મહાનગરપાલિકના જન સેવા કેન્દ્ર તેમજ ટેક્સ બ્રાન્ચમાં પણ બિલ સાથે આ સ્ટેમ્પ દ્વારા મતદાન તારીખ અને મતદાન માટે સહયોગ આપવા અપીલ કરવામાં આવી રહી છે.

દવા ખરીદતા કે કોર્પોરેશનમાં ટેક્સ માટે આવતા ગ્રાહકો કે જેઓ મતદાન કરી શકે છે તેઓ બિલ પરના આ સ્ટેમ્પ જોઈ હકારાત્મક પ્રતિભાવ સાથે લોકશાહીના પર્વમાં સહભાગી બનવા પ્રતિબદ્ધતા દર્શાવી રહ્યા છે.




