
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મેઘરજમાં ગ્રામ્ય વિસ્તારમાં સગીરાનું અપહરણ, રાજસ્થાનના યુવક સામે ગુનો નોંધાયો
મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારની 17 વર્ષીય સગીરા યુવતીને લગ્નની લાલચ આપી અપહરણ કરવાના આરોપસર રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના સીમલવાડા તાલુકાના કાકરાદરા ગામના લાલસિંગ બચુ ડામોર સામે પોલીસમાં ગુનો નોંધાયો છે

ફરિયાદીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમની પુત્રી 10 જૂન, 2026 ની રાત્રે પોતાના પરિવાર સાથે ઘરે સૂઈ હતી. બીજા દિવસે વહેલી સવારે ઉઠતાં પુત્રી ઘરે ન મળતાં પરિવારજનોએ સગાસંબંધીઓ અને આસપાસના વિસ્તારોમાં શોધખોળ હાથ ધરી હતી, પરંતુ કોઈ ભાળ મળી નહોતી.ફરિયાદ મુજબ, આશરે છ મહિના અગાઉ પણ આરોપી લાલસિંગ ડામોર સગીરાને ભગાડી લઈ ગયો હતો. તે સમયે બંનેને પરત લાવી સામાજિક સમાધાન કરવામાં આવ્યું હતું અને પરિવારની આબરૂને ધ્યાનમાં રાખી પોલીસ ફરિયાદ કરવામાં આવી નહોતી.આ વખતે યુવતી ગુમ થયા બાદ પરિવારજનો આરોપીના ઘરે કાકરાદરા ગામે પહોંચ્યા હતા, પરંતુ યુવતી અંગે કોઈ સંતોષકારક માહિતી મળી નહોતી અને આરોપી પણ હાજર મળ્યો નહોતો. લાંબા સમય સુધી શોધખોળ છતાં યુવતીનો પત્તો ન લાગતાં આખરે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી.ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે આરોપીએ સગીરાની ઉંમર જાણતા હોવા છતાં તેને લલચાવી-ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઈ ગયો હતો.પોલીસે ફરિયાદના આધારે આરોપી લાલસિંગ બચુ ડામોર સામે સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.




