
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મોડાસા પાલિકાનો અંધેર વહીવટ: ₹1.50 કરોડના ખર્ચે બનેલો મેરેજ હોલ શોભાના ગાંઠિયા જેવો, બાજુમાં જ ડમ્પિંગ સાઈડ બનાવી દેતા રોષ
– કરોડોના ખર્ચે નિર્મિત ભવન એક પણ દિવસ ભાડે વપરાયું નથી, ગંદકી અને પશુઓના વસવાટથી ઈમારત ખંડેર જેવી બની
– ભાજપ શાસિત પાલિકામાં ભ્રષ્ટાચાર અને અણઘડ આયોજનના કારણે જનતાના ટેક્સના નાણાંનો ધુમાડો

મોડાસા નગરપાલિકાના શાસકોના અણઘડ વહીવટ અને આયોજનના અભાવે જનતાના પરસેવાની કમાણીના કરોડો રૂપિયા કચરામાં જઈ રહ્યા હોવાની આઘાતજનક વિગતો સામે આવી છે. મોડાસાના બાયપાસ રોડ પર નગરપાલિકા દ્વારા અંદાજે ₹1.50 કરોડના માતબર ખર્ચે મેરેજ હોલનું નિર્માણ કરવામાં આવ્યું હતું, પરંતુ આજે આ હોલ લોક ઉપયોગને બદલે ગંદકીના ગંજ નીચે દબાયેલો જોવા મળી રહ્યો છે.
સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, કરોડોના ખર્ચે બનેલો આ આલીશાન હોલ ઉદ્ઘાટન બાદ એક પણ દિવસ કોઈ નાગરિક દ્વારા ભાડે કે અન્ય સામાજિક પ્રસંગ માટે ઉપયોગમાં લેવાયો નથી. ઈમારતની જાળવણીના અભાવે આજે ત્યાં પશુઓનો વસવાટ છે અને ઠેર ઠેર ગંદકીના થર જામ્યા છે. આશ્ચર્યની વાત તો એ છે કે, જે હેતુ માટે આ ઈમારત બની હતી તેને નેવે મૂકીને નગરપાલિકાએ હોલની પાછળના ભાગે જ શહેરની ‘ડમ્પિંગ સાઈડ’ બનાવી દીધી છે. મેરેજ હોલ જેવી જગ્યાએ જ્યાં લોકો શુદ્ધ વાતાવરણની અપેક્ષા રાખે, ત્યાં ચોવીસ કલાક કચરાની દુર્ગંધ ફેલાયેલી રહે છે.આ મામલે વિપક્ષ અને જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મોડાસા શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિએ આક્ષેપ કર્યો છે કે ભાજપ શાસિત આ નગરપાલિકામાં ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે. કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવવા માટે વિના આયોજને કરોડોના પ્રોજેક્ટ્સ ઊભા કરી દેવામાં આવે છે, જે પાછળથી પ્રજા માટે સફેદ હાથી સાબિત થાય છે. મેરેજ હોલની બાજુમાં જ ડમ્પિંગ સાઈડ બનાવવી એ પાલિકાની બુદ્ધિનું પ્રદર્શન છે કે પછી જાણી જોઈને કરેલું પાપ? તેવા સવાલો ઉઠી રહ્યા છે.મોડાસા શહેર કોંગ્રેસ પ્રમુખ રાહુલભાઈ પટેલ અને જિલ્લા પ્રમુખ અરૂણભાઈ પટેલે આ ભ્રષ્ટાચાર સામે આક્રમક વિરોધ નોંધાવતા જણાવ્યું હતું કે, જનતાના પૈસાનો આવો દુર્વ્યય ચલાવી લેવામાં આવશે નહીં. જો સત્વરે આ હોલને ઉપયોગમાં લેવા લાયક બનાવવામાં નહીં આવે અને ગંદકી દૂર નહીં થાય તો આગામી દિવસોમાં પાલિકા સામે ઉગ્ર આંદોલન કરવામાં આવશે.





