
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
ઇસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં LCB પોલીસની મોટી કાર્યવાહી પાલ્લા કદવાડા પાસે ₹ 3.68 લાખના દારૂ સાથે એક આરોપી ઝડપાયો

અરવલ્લી : અરવલ્લી જિલ્લાના ઇસરી પોલીસ સ્ટેશન વિસ્તારના પાલ્લા કદવાડા ગામની સીમમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)એ ગેરકાયદેસર દારૂની હેરાફેરી સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. બાતમીના આધારે પોલીસે નંબર પ્લેટ વગરની હોન્ડા જાઝ કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરની કુલ 1,367 બોટલ-ટીનનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે દારૂ, કાર અને મોબાઇલ ફોન સહિત કુલ ₹ 8,73,005નો મુદ્દામાલ કબજે કર્યો છે.રાજ્યમાં પ્રોહિબિશન કાયદાના કડક અમલ માટે નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અને અરવલ્લી પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજાના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે રાજસ્થાનમાંથી વિદેશી દારૂનો જથ્થો લઈને એક સફેદ રંગની નંબર વગરની હોન્ડા જાઝ કાર મોડાસા તરફ આવી રહી છે.બાતમીના આધારે પાલ્લા કદવાડા ગામ નજીક વાઘપુર-મેઘરજ રોડ પર નાકાબંધી ગોઠવવામાં આવી હતી. શંકાસ્પદ કારને રોકી તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂ અને બિયરની 21 પેટીઓ મળી આવી હતી. જેમાં કુલ 1,367 બોટલ અને ટીન મળી આવ્યા હતા. દારૂની કિંમત ₹ 3,68,005, કારની કિંમત ₹ 5 લાખ અને મોબાઇલ ફોન કિંમત ₹ 5 હજાર મળી કુલ ₹8,73,005નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો
આ કાર્યવાહી દરમિયાન અમદાવાદના બહેરામપુરા વિસ્તારના શાહબાઝ ગનીભાઈ શેખ (ઉંમર 24 વર્ષ)ની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં આરોપી સામે અગાઉ પણ પ્રોહિબિશન તેમજ હત્યા અને આર્મ્સ એક્ટ હેઠળના ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે.આ કેસમાં અમદાવાદના મહેમુદ મુલ્લા નામના શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે અને તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે




