
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મેઘરજ – ૩૫ વર્ષ ૬ માસ સુધી દેશસેવા બાદ CRPFના PI મુળચંદભાઈ ચમાર નિવૃત્ત, ઈસરી દસગામ પરગણા રોહિત સમાજ ટ્રસ્ટ દ્વારા સન્માન

મેઘરજ, અરવલ્લી : અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ઈસરી ગામના વતની અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)માં પોલીસ ઇન્સ્પેક્ટર (P.I.) તરીકે ફરજ બજાવનાર મુળચંદભાઈ ખાતુભાઈ ચમાર ૩૫ વર્ષ ૬ માસની દીર્ઘ અને નિષ્ઠાપૂર્વકની સેવાઓ પૂર્ણ કરી તા. ૩૧ મે, ૨૦૨૬ના રોજ નિવૃત્ત થયા હતા. તેમની દેશસેવાની ઉજ્જવળ કારકિર્દીને બિરદાવવા ઈસરી દસગામ પરગણા રોહિત સમાજ ટ્રસ્ટ દ્વારા સન્માનપત્ર અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. મુળચંદભાઈ ચમારનો જન્મ તા. ૧ જૂન, ૧૯૬૬ના રોજ ઈસરી ગામે થયો હતો. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ઈસરીમાં પૂર્ણ કર્યા બાદ તેમણે કેન્દ્રીય ભરતીમાં સફળતા મેળવી તા. ૧ ડિસેમ્બર, ૧૯૯૦ના રોજ CRPFમાં જોડાઈ દેશસેવાની શરૂઆત કરી હતી. નાગપુર ખાતે તાલીમ પૂર્ણ કર્યા બાદ તેમણે ગુજરાત, ગાંધીનગર, અલીગઢ, આસામ, શ્રીનગર, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ, સુકમા (છત્તીસગઢ) સહિત દેશના અનેક સંવેદનશીલ વિસ્તારોમાં ફરજ બજાવી હતી.ફરજ પ્રત્યેની નિષ્ઠા અને કાર્યદક્ષતાના કારણે તેઓ A.S.I., P.S.I. સહિતના હોદ્દાઓ પર બઢતી મેળવી અંતે પોલીસ ઇન્સ્પેક્ટર (P.I.) તરીકે નિવૃત્ત થયા હતા. તેમની શ્રેષ્ઠ કામગીરી બદલ તેમને કુલ ૩૬ નગદ પુરસ્કારોથી પણ નવાજવામાં આવ્યા હતા.સરકારી સેવાઓની સાથે સાથે તેમણે પરિવાર અને સામાજિક જવાબદારીઓ પણ સફળતાપૂર્વક નિભાવી હતી. પત્ની જશોદાબેનના સહયોગથી પુત્રી જલ્પા અને પુત્ર જયને ઉચ્ચ શિક્ષણ અપાવી પરિવારને સુખી અને સંસ્કારી બનાવ્યો છે.તેમની નિષ્ઠાવાન દેશસેવા, પ્રામાણિકતા અને સમાજ પ્રત્યેની લાગણીને ધ્યાનમાં રાખી ઈસરી દસગામ પરગણા રોહિત સમાજ ટ્રસ્ટ દ્વારા સન્માનપત્ર અર્પણ કરી તેમના યોગદાનને બિરદાવવામાં આવ્યું હતું. સમાજના આગેવાનો અને સભ્યોએ મુળચંદભાઈ ચમારને નિવૃત્તિ બાદના જીવન માટે સુખ, સમૃદ્ધિ અને દીર્ઘાયુષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી.





