
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મેઘરજ મુસ્લિમ સમાજ દ્વારા ગૌ માતાને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની માંગ

અરવલ્લી જિલ્લાના મેઘરજ ખાતે મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા ગૌ માતાને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની માંગ સાથે રેલી યોજી મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. સમાજના પ્રતિનિધિઓએ સરકાર સમક્ષ રજૂઆત કરતાં જણાવ્યું કે ગૌ માતા પ્રત્યે મુસ્લિમ સમાજ પણ સમાન આદરભાવ અને શ્રદ્ધા ધરાવે છે.આવેદનપત્રમાં રજૂઆત કરવામાં આવી હતી કે ગૌ હત્યા જેવા મુદ્દાઓને લઈને સમગ્ર મુસ્લિમ સમાજને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે, જે યોગ્ય નથી. સમાજના આગેવાનોએ જણાવ્યું કે ગૌ સંરક્ષણ અને ગૌ સેવા માટે અનેક મુસ્લિમ પરિવારો પણ યોગદાન આપી રહ્યા છે.મેઘરજ શહેરમાં રેલી સ્વરૂપે કાર્યક્રમ યોજી ગૌ માતાને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની માંગ ઉઠાવવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન સમસ્ત મેઘરજ મુસ્લિમ સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં સમાજજનો ઉપસ્થિત રહ્યા હતા.અંતે મામલતદારને આવેદનપત્ર આપી આ માંગણી રાજ્ય અને કેન્દ્ર સરકાર સુધી પહોંચાડવા વિનંતી કરવામાં આવી હતી.




