
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મેઘરજ પોલીસે 4.76 લાખના દારૂ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો – કાલીયાકુવા સીમમાં નાકાબંધી દરમિયાન ક્રેટા કારમાંથી વિદેશી દારૂ અને બીયરનો જથ્થો ઝડપાયો

મેઘરજ તાલુકાના કાલીયાકુવા ગામની સીમ વિસ્તારમાં મેઘરજ પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી વિદેશી દારૂ અને બીયરનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે કરાયેલી નાકાબંધી દરમિયાન એક નંબર વગરની હ્યુન્ડાઇ ક્રેટા કારમાંથી કુલ 57 પેટીઓમાં ભરેલો વિદેશી દારૂ અને બીયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે કુલ 1788 બોટલો અને ટીન સહિત રૂ.4.76 લાખનો પ્રોહીબિશન મુદ્દામાલ જપ્ત કર્યો હતો. કાર, મોબાઇલ અને અન્ય મુદ્દામાલ સહિત કુલ રૂ.9.96 લાખનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે.રાજસ્થાન-ગુજરાત બોર્ડર પરથી થતી દારૂની હેરાફેરી રોકવા માટે ખાસ વાહન ચેકિંગ અને નાકાબંધી ગોઠવવામાં આવી હતી. તે દરમિયાન મેઘરજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એન. નિનામાના સુપરવિઝન હેઠળ PSI એસ.કે. ચાવડા અને સ્ટાફે કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે નાકાબંધી દરમિયાન એક શંકાસ્પદ નંબર વગરની ક્રેટા કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ચાલકે પોલીસને જોઈ કારને પૂરઝડપે રીવર્સમાં હંકારી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. અંધારામાં સંતુલન ગુમાવતા કાર ગરનાળાની લોખંડની રેલિંગ સાથે અથડાઈ હતી. ત્યારબાદ એક આરોપી સ્થળ પરથી ઝડપાઈ ગયો હતો જ્યારે કાર ચાલક અને અન્ય બે સાગરિતો અંધારાનો લાભ લઈ ઝાડી-ઝાંખરામાંથી ફરાર થઈ ગયા હતા. ફરાર આરોપીઓ પાયલોટિંગ તરીકે ઉપયોગમાં લેવાતી નંબર વગરની મારૂતિ સ્વીફ્ટ કાર લઈને નાસી છૂટ્યા હતા.
પોલીસે સ્થળ પરથી બે મોબાઇલ ફોન અને GJ-27-BE-0775 નંબરની બે નંબર પ્લેટ પણ કબજે કરી હતી. સમગ્ર મામલે પ્રોહીબિશન ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. તુષારકુમાર કનકસિંહ ખાંટ (રહે. પાંટા, તા. વિરપુર, જી. મહીસાગર)ની ધરપકડ કરવામાં આવી છે.જ્યારે ઇન્દ્રવિજયસિંહ ખાતુસિંહ પરમાર, કલ્પેશ ઉર્ફે ગુલો કાનાભાઈ ઠાકોર અને ઉમેશ દિનેશભાઈ મકવાણા સામે ગુનો નોંધી તેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.





