
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
બાયડ – ઝાંઝરી ધોધ ખાતે પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ, જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું અમલમાં
અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં આવેલ જાણીતા પ્રવાસન સ્થળ ઝાંઝરી ધોધ ખાતે વારંવાર બનતા અકસ્માતોને ધ્યાનમાં રાખી જિલ્લા મેજિસ્ટ્રેટ મિલિન્દ બાપના (IAS) દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023ની કલમ 163 હેઠળ પ્રતિબંધાત્મક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

જાહેરનામા મુજબ, ઝાંઝરી ધોધથી ગંગેશ્વર મહાદેવ પ્રવેશ માર્ગ-3 નજીકના ચેકડેમ સુધીના આશરે 5 કિલોમીટર વિસ્તારને પ્રતિબંધિત ઝોન જાહેર કરવામાં આવ્યો છે. આ વિસ્તારમાં કોઈપણ વ્યક્તિ કે પ્રવાસીને નદીમાં ઉતરવા, ન્હાવા, ધોધના કિનારે જવા તેમજ શીલાઓ પર ઉભા રહી ફોટોગ્રાફી કરવાની મંજૂરી રહેશે નહીં.
જિલ્લા તંત્રે જણાવ્યું છે કે છેલ્લા લગભગ 25 વર્ષ દરમિયાન ઝાંઝરી ધોધ ખાતે પાણીમાં ડૂબી જવા, લપસી જવાથી ઈજા થવા અને મૃત્યુના અનેક બનાવો બન્યા છે. અગાઉ ચેતવણીના બોર્ડ અને પોલીસ બંદોબસ્ત હોવા છતાં પ્રવાસીઓ દ્વારા સૂચનાઓની અવગણના થતાં દુર્ઘટનાઓ સર્જાતી રહી છે. તેથી જાહેર સલામતીના હિતમાં આ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.આ જાહેરનામું 9 જુલાઈ, 2026થી 6 સપ્ટેમ્બર, 2026ના રાત્રે 24:00 કલાક સુધી અમલમાં રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 223 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.




