ARAVALLIMODASA

મોડાસા –  કુડોલ ગામના ફાઇનાન્સ કર્મચારીનું શંકાસ્પદ મોત, ઝેરી દવાથી મોત નિપજ્યું હોવાની આશંકા 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મોડાસા –  કુડોલ ગામના ફાઇનાન્સ કર્મચારીનું શંકાસ્પદ મોત, ઝેરી દવાથી મોત નિપજ્યું હોવાની આશંકા


મોડાસા તાલુકાના કુડોલ ગામના યુવાનનું શંકાસ્પદ સંજોગોમાં મોત થતાં પરિવારમાં શોકની લાગણી ફેલાઈ છે. મૃતકના પિતાએ અજાણ્યા શખ્સો સામે માર મારી તેમજ ઝેરી દવા પીવડાવી મોત નિપજાવ્યાની આશંકા વ્યક્ત કરી પોલીસ કાર્યવાહી કરવાની માંગ કરી છે.પ્રાપ્ત વિગતો મુજબ કુડોલ ગામે રહેતા દિનેશભાઈ દુધાભાઈ વણકરના નાના પુત્ર જીગરકુમાર (ઉ.વ.૩૫) મોડાસા ખાતે આવેલ નવધન ફાઇનાન્સમાં નોકરી કરતા હતા. ગત તા.૨૭ મેના રોજ સવારે જીગરકુમાર પોતાના ભાઈ વિપુલકુમાર સાથે મોટરસાયકલ લઈને નીકળ્યા હતા. બાદમાં જીગરકુમાર ઉઘરાણીના કામ માટે અલગથી નીકળી ગયા હતા. બપોરે ઉઘરાણીની રકમ ફાઇનાન્સ કચેરીમાં જમા કરાવી તેઓ ઘરે આવવા નીકળ્યા હતા, પરંતુ મોડી રાત્રે સુધી ઘરે પરત ફર્યા નહોતા.
પરિવારે અનેકવાર મોબાઇલ પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ફોન ઉપાડવામાં આવ્યો નહોતો. ત્યારબાદ બીજા દિવસે સવારે અજાણ્યા વ્યક્તિએ ફોન કરી બોર કંપા નજીક એક વ્યક્તિ ગંભીર હાલતમાં પડ્યા હોવાની જાણ કરી હતી. પરિવારજનો સ્થળ પર પહોંચતા જીગરકુમાર ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યા હતા. તેમના માથા, ખભા, થાપા તેમજ બંને ઘૂંટણના ભાગે ઇજાઓ જોવા મળી હતી.તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તેમને મોડાસાની સંજીવની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. મૃતકના પિતાએ હોસ્પિટલના તબીબોની કામગીરી પર પણ શંકા વ્યક્ત કરી છે. પરિવારજનોએ આરોપ મૂક્યો છે કે દવા પીધાની ખોટી નોંધ કરી હકીકત છુપાવવાનો પ્રયાસ થયો હોઈ શકે છે.
પરિવારે ટીટોઇ પોલીસ સ્ટેશન ખાતે રજૂઆત કરી પેનલ પોસ્ટમોર્ટમ, ઇન્કવેસ્ટ પંચનામામાં તમામ ઇજાઓનો ઉલ્લેખ, ઘટના સ્થળના સીસીટીવી ફૂટેજ, ટાવર લોકેશન અને ફિંગરપ્રિન્ટ તપાસ કરવાની માંગ કરી છે.
આ સમગ્ર મામલે ટીટોઇ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

Back to top button
error: Content is protected !!