
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લીમાં ટ્રેક્ટર ભાડા કૌભાંડની આશંકા : ભાડે આપેલ ટ્રેક્ટરો ગાયબ..!!! લાખો રૂપિયાની છેતરપિંડીનો આક્ષેપ
માલપુર, મેઘરજ – અરવલ્લી જિલ્લામાં ટ્રેક્ટર ભાડે આપનાર ખેડૂતો સાથે થયેલા મોટા કૌભાંડનો પર્દાફાશ થવાની શક્યતા સાથે. પ્રાથમિક ધોરણે માલપુર તાલુકામાં ચાર શખ્સોએ ખેડૂતોને માસિક ભાડાની લાલચ આપી ભાડા કરારના આધારે ટ્રેક્ટરો મેળવી લીધા બાદ કુલ અંદાજે 16 ટ્રેક્ટર, જેની લાખો રૂપિયાની કિંમતના વાહનો સગેવગે કરી દીધા હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. સમગ્ર મામલે માલપુર પોલીસ મથકે ચાર શખ્સો સામે અરજી આપવામાં આવી છે


અરજી મુજબ આરોપીઓએ ખેડૂતોને દર મહિને રૂ. 17 હજારથી રૂ. 20 હજાર સુધીનું ભાડું આપવાની ખાતરી આપી સ્ટેમ્પ પેપર પર ભાડા કરાર કર્યા હતા. શરૂઆતમાં એકથી ત્રણ મહિનાનું ભાડું ચૂકવી વિશ્વાસ જીત્યા બાદ ટ્રેક્ટરો પોતાના કબજામાં લઈ લીધા હતા. જોકે કરાર પૂર્ણ થયા પછી ન તો બાકી ભાડું ચૂકવાયું અને ન તો ટ્રેક્ટરો પરત આપવામાં આવ્યા. ખેડૂતો દ્વારા વારંવાર સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છતાં આરોપીઓએ ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.આ મામલામાં મેઘરજ તાલુકાના લાલોડિયા ગામના ભરતભાઈ અમરાભાઈ વણજારાએ બાયડ પોલીસ સ્ટેશનમાં અલગ અરજી આપી છે. અરજી મુજબ તેમણે વર્ષ 2022 મોડલનું મહિન્દ્રા 405 ટ્રેક્ટર ચાર માસ માટે ભાડે આપ્યું હતું. ત્રણ મહિનાનું ભાડું ચૂકવ્યા બાદ આરોપીએ ચોથા મહિનાનું રૂ. 18 હજાર ભાડું અને ટ્રેક્ટર પરત આપવાનો ઇનકાર કર્યો હતો. ટ્રેક્ટર લેવા જતાં આરોપી અને તેની સાથે આવેલા ચાર શખ્સોએ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું પણ અરજીમાં નોંધાયું છે.અરજીમાં વિશ્વાસઘાત, છેતરપિંડી અને ગુનાહિત ધમકી સહિત ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.ચોમાસાની ખેતીની સિઝન શરૂ થતાં ટ્રેક્ટર વિના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. બીજી તરફ ટ્રેક્ટર પર લેવાયેલી બેંક લોનના હપ્તા ભરવાની ફરજ હોવાથી ભોગ બનનાર ખેડૂતો પર આર્થિક સંકટ ઊભું થયું છે.મોટી સંખ્યામાં ભોગ બનનાર ખેડૂતો માલપુર પોલીસ મથકે પહોંચીને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની અને પોતાના ટ્રેક્ટરો પરત અપાવવાની માંગ કરી છે.પોલીસ સમગ્ર કૌભાંડના તમામ પાસાઓની તપાસ કરી શકસો સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી કરશે તો ટ્રેક્ટરો ક્યાં લઈ જવાયા તેમજ અન્ય કોઈની સંડોવણી છે તે બહાર આવી શકે તેમ છે જોકે ટ્રેકટરના કૌભાંડ ને લઈ છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે જેને લઇ હાલ માલપુર તેમજ મેઘરજ પોલીસ સ્ટેશન ખાતે કોઈપણ પ્રકારનો ગુન્હો દાખલ થયેલ નથી પરંતુ અરજી આપેલ છે તેવી માહિતી જાણવા મળી હતી અરજીને આધારે જો ગુન્હો દાખલ થશે તો અરવલ્લીમાં ટ્રેક્ટર ભાડા કૌભાંડનો મોટો પર્દાફાશ થવાની શક્યતા સેવાઈ રહી છે.




