
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મોડાસા – શ્રીનાથજી હોટલના બિનઅધિકૃત બાંધકામને સીલ કરવાનો આદેશ કરવામાં આવ્યો – બિનઅધિકૃત બાંધકામ અને કલેક્ટરના સ્ટે હોવા છતાં ધંધાકીય પ્રવૃત્તિ ચાલુ હોવાના મુદ્દે વિવાદ સર્જાયો હતો.

મોડાસાના પાલનપુર વિસ્તારમાં આવેલી શ્રીનાથજી હોટલ સામે બિનઅધિકૃત બાંધકામ મામલે તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-1976 હેઠળ જરૂરી વિકાસ પરવાનગી મેળવ્યા વિના બાંધકામ કરી તેનો વપરાશ ચાલુ રાખવામાં આવતા સત્તાવાળાઓએ બાંધકામ સીલ કરવાનો હુકમ કર્યો છે.
માહિતી અનુસાર, મોડાસા વિસ્તારમાં આવેલા પાલનપુર ગામના સીટી સર્વે નં. NA/135/A2/2 પૈકી 2 (જૂના સર્વે નં. 135(અ) પૈકી 2) ખાતે આવેલી શ્રીનાથજી હોટલના બાંધકામ અંગે સુપરવાઈઝરે 5 માર્ચ, 2026ના રોજ સ્થળ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન બાંધકામ માટે ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-1976ની કલમ 29, 34 અથવા 49 હેઠળ કોઈ વિકાસ પરવાનગી લેવામાં આવી ન હોવાનું સામે આવ્યું હતું.
આ મામલે સંબંધિત માલિકને 7 માર્ચ, 2026 તથા 30 એપ્રિલ, 2026ના રોજ મનાઈ હુકમ પાઠવવામાં આવ્યા હતા અને બિનઅધિકૃત બાંધકામ દૂર કરી વપરાશ બંધ કરવા સૂચના આપવામાં આવી હતી. જોકે મનાઈ હુકમનો અનાદર કરી હોટલનો વપરાશ યથાવત રાખવામાં આવતા તંત્રએ વધુ કડક વલણ અપનાવ્યું છે.આખરે ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-1976ની જોગવાઈઓ હેઠળ શ્રીનાથજી હોટલના બિનઅધિકૃત બાંધકામને સીલ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. સાથે જ સ્થળ પર જાનમાલને કોઈપણ પ્રકારનું નુકસાન થાય તો તેની સંપૂર્ણ જવાબદારી માલિકની વ્યક્તિગત રહેશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે અગાઉ પણ શ્રીનાથજી હોટલના બિનઅધિકૃત બાંધકામ અને કલેક્ટરના સ્ટે હોવા છતાં ધંધાકીય પ્રવૃત્તિ ચાલુ હોવાના મુદ્દે વિવાદ સર્જાયો હતો. હવે તંત્ર દ્વારા સીલિંગની કાર્યવાહીનો આદેશ કરવામાં આવતા સમગ્ર મામલો ફરી ચર્ચામાં આવ્યો છે.





