
અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
ધનસુરા એલઆઈસી શાખામાં 3-4 મહિનાથી પાણીની સમસ્યા, ગ્રામ પંચાયતને રજૂઆત
અરવલ્લી જિલ્લાના ધનસુરા ખાતે આવેલી એલ.આઈ.સી. ઓફ ઈન્ડિયાની શાખામાં છેલ્લા ત્રણથી ચાર મહિનાથી નિયમિત પાણીનો પુરવઠો ન મળતા શાખા તંત્ર દ્વારા ગ્રામ પંચાયતને લેખિત રજૂઆત કરવામાં આવી છે. પાણીની સમસ્યાના કારણે દૈનિક કામગીરી તેમજ ગ્રાહકોને સુવિધા પૂરી પાડવામાં મુશ્કેલી પડી રહી હોવાનું રજૂઆતમાં જણાવાયું છે.

રજુઆતમાં જણાવ્યા મુજબ, શાખાને ગ્રામ પંચાયતનું નિયમિત પાણીનું જોડાણ હોવા છતાં છેલ્લા ઘણા સમયથી પૂરતો અને નિયમિત પાણીનો પુરવઠો મળતો નથી. દરરોજ મોટી સંખ્યામાં ગ્રાહકો, વીમાધારકો અને નાગરિકો વિવિધ કામગીરી માટે શાખાની મુલાકાત લેતા હોવાથી પીવાના તેમજ દૈનિક ઉપયોગ માટે પાણીની ઉપલબ્ધતા અત્યંત જરૂરી બની રહે છે.નિયમિત પાણી ન મળવાને કારણે શાખા તંત્રને વારંવાર ખાનગી પાણીના ટેન્કર મંગાવીને જરૂરિયાતો પૂરી કરવી પડે છે. જેના કારણે વધારાનો આર્થિક બોજ ઊભો થાય છે અને દૈનિક કામગીરી પણ પ્રભાવિત થઈ રહી હોવાનું રજૂઆતમાં જણાવાયું છે.શાખા તંત્રે વધુમાં જણાવ્યું છે કે શાખાનો કાર્યકાળ અને પાણી પુરવઠાનો સમય એકબીજાને અનુકૂળ ન હોવાથી પાણી ક્યારે આપવામાં આવે છે તેની ચોક્કસ માહિતી મળતી નથી. તેથી શાખાના કાર્યકાળને અનુકૂળ સમય દરમિયાન નિયમિત પાણીનો પુરવઠો આપવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે.




