ટી.વી.યુગ અને મોબાઈલ યુગ આવતા કલા હાલ મરણ પથારીએ છે.
વિસરાતી કલા – કઠપૂતળીના દોરડામાં બંધાયેલી એક જીવંત સંસ્કૃતિ.દાયકાઓ પહેલા ગામના ચોકમાં કઠપૂતળીનો ખેલ જોવા ગામલોકો આવતા.

વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ.
નખત્રાણા ,તા-૨૨ નવેમ્બર : દેશલપર (ગુંતલી) એક સમય હતો જ્યારે ગામના ચોકમાં સાંજ પડતાં જ બાળકો,સ્ત્રીઓ અને વડીલો ઉત્સુકતાથી ભેગા થતા “આજે કઠપૂતળીયો આવશે!” ટેલિવિઝન,મોબાઈલ કે ઈન્ટરનેટનો યુગ નહોતો ત્યારે રાજસ્થાનના કલાકારો કચ્છના દરેક ગામડે આવી પોતાના રંગીન વેશભૂષા સાથે દોરડાઓ વડે જીવંત પાત્રો ઊભા કરતા. તેમના હાથના દોરડામાં બોલતા રાજા-રાણી,હસાવતો જોકર અને પ્રેમ-વીરતાની વાર્તાઓ લોકોના હૃદય સુધી પહોંચતી.બે ત્રણ દિવસ સુધી એ કલાકારો ગામમાં રોકાઈ નાટકો, લોકગીતો અને વાર્તાઓ દ્વારા સૌને મંત્રમુગ્ધ કરી દેતા ગામના ચોકમાં આખો માહોલ જીવંત થઈ ઊઠતો બાળકોની આંખોમાં આનંદ અને વડીલોના ચહેરા પર સ્મૃતિઓની રેખાઓ ઝળહળી ઊઠતી.આજે સમય બદલાયો છે.ડિજિટલ મનોરંજનના આ યુગમાં એ કઠપૂતળી કલા ધીમે ધીમે ગાયબ થઈ રહી છે.જે કલા ક્યારેક કચ્છના દરેક ખૂણામાં જીવંત હતી,એ હવે ફક્ત યાદોમાં રહી ગઈ છે.તાજેતરમાં કચ્છ જિલ્લાના એક મેળામાં રાજસ્થાનની લોકકલાકાર બહેને પોતાના કઠપૂતળી પ્રદર્શનથી એ ભૂતકાળને જીવંત કર્યો. રંગબેરંગી ઘાઘરામાં, હાથમાં દોરડા લઈને, રાજસ્થાની તાલે ઝૂમતી કઠપૂતળીમાં તેણે એ જ જુના દિવસોની છબી ઉતારી. દર્શકો તાળીથી ગુંજી ઉઠ્યા “આવી કળા હવે ક્યાં જોવા મળે!”આવી કઠપૂતળી કળા માત્ર મનોરંજન નહોતી એ લોકજીવનની વાર્તા, સંસ્કૃતિનો પ્રતિબિંબ અને આપણા ભારતીય વારસાનું અવિભાજ્ય અંગ છે.સમયની ધૂળ વચ્ચે આ કળાને સાચવવાની જરૂર છે, જેથી આવતી પેઢી પણ જાણે કે દોરડામાં બંધાયેલી આ કઠપૂતળી ખરેખર આપણા સંસ્કૃતિના જીવંત હૃદયની ધબકાર છે.કઠપૂતળી ની કલા તો ગઈ પણ તેના ફોટાઓ આજના યુવા વર્ગને જોવા મળશે.




