Gondal: સરકારી હોસ્પિટલ ગોંડલ ખાતે યોજાયો “રાષ્ટ્રીય વયોશ્રી” યોજના અંતર્ગત એસેસમેન્ટ કેમ્પ
તા.૧૧/૬/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
૨૨૯ વૃદ્ધોનું થયું એસેસમેન્ટ: ૩૧૮ લાભાર્થીને આવકના દાખલા, ૧૯૭ લોકોની આરોગ્ય તપાસ સહિતની સેવાઓ અપાઈ
Rajkot, Gondal: રાજકોટ જિલ્લાના વરિષ્ઠ નાગરિકોને વિવિધ સહાયક સાધનો નિ:શુલ્ક પ્રદાન કરવાના આશયથી કલેકટરશ્રી પ્રભવ જોશીના માર્ગદર્શન અંતર્ગત રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરમાં સરકારી હોસ્પિટલ ખાતે સાધન સહાય એસેસમેન્ટ કેમ્પ યોજાયો હતો.
આ કેમ્પમાં એલીમ્કો દ્વારા ૨૨૯ લાભાર્થીઓ કે જેની ઉમર ૬૦ વર્ષથી વધારે છે તેઓનું એસેસમેન્ટ કરવામાં આવ્યું હતું તેમજ ૩૧૮ જેટલા નાગરિકોને આવકના દાખલા આપવા ઉપરાંત , એસ.ટી. વિભાગ દ્વારા ૪૦ સીનીયર સીટીઝનને વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. આરોગ્ય વિભાગ દ્વારા ૧૯૭ લાભાર્થીઓના બી.પી. ડાયાબિટીસની તપાસ તથા ૪૮૨ લોકોને ટીબી, મેલેરીયા વિગેરે રોગની સમજુતી આપી, ૧૨ લાભાર્થીઓને પી.એમ.જે.એ.વાય કાર્ડ આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત ૪૭ લોકોને એન.એફ.એસ.એ. ફોર્મ વિતરણ, ૩૭ કે.વાય.સી. અને પાંચ વરિષ્ઠ નાગરિક પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.
શહેર ખાતેની એસ.બી.આઇ. બેંકના કર્મચારીશ્રીઓ દ્વારા સીનીયર સીટીઝન માટેની કાર્યરત યોજનાઓથી લાભાર્થીઓને અવગત કરાવવામાં આવ્યા તથા સહાય શાખા દ્વારા નિરાધાર વૃધ્ધ સહાય યોજનાના કુલ ૨૧ ફોર્મ સ્થળ પર ભરવામાં આવ્યા હતા.
ગોંડલ તાલુકાના ૬૦ વર્ષથી ઉપરના સિનિયર સીટીઝનોને વોકીંગ સ્ટીક, કાંખઘોડી, ટ્રાઇપોડ, વોકર, હિયરીંગ એઇડ મશીન, ફોલ્ડીંગ વ્હિલચેર, આર્ટીફિશિયલ દાંત(ચોકઠાં), સ્પાઇનલ સપોર્ટ, રોલેટર વગેરે સહાયક સાધનો આપવા માટે કુલ ૦૪ ડોકટર તથા અંદાજીત ૭૫ જેટલા કર્મચારીઓ સહિતના સ્ટાફે ફરજ નિભાવી હતી.
આ પ્રસંગે નાયબ કલેકટરશ્રી રાહુલ ગમારા, તાલુકા વિકાસ અધિકારીશ્રી એમ.એમ.ઉકાવાલા, ગોંડલ શહેર મામલતદારશ્રી ડી.ડી.ભટ્ટ, ગોંડલ તાલુકા મામલતદારશ્રી આર. બી.ડોડીયા, ડો.જી.પી.ગોયલ, ડો.બી.એલ.કડછા, લીડ બેંક મેનેજરશ્રી, એસ.બી.આઇ. ગોંડલ શાખા,એસ.ટી.ડેપો મેનેજરશ્રી, રેવન્યુ વિભાગની ટીમ, અન્ય અધિકારીઓ તથા બહોળી સંખ્યામાં વરિષ્ઠ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.