
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી ,તા-૧૬ જુલાઈ : કચ્છ જિલ્લા કલેક્ટર અને પ્રમુખશ્રી, સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટના માર્ગદર્શન હેઠળ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, ભુજ દ્વારા તા. ૧૨ જુલાઈ ૨૦૨૪ના રોજ મુન્દ્રાના ભદ્રેશ્વર ખાતે સૈનિક આઉટરીચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભદ્રેશ્વર તથા આસપાસના ગામના પૂર્વ સૈનિકો, સ્વ.સૈનિકોના ધર્મપત્નીશ્રીઓ તથા તેઓના પરિવારજનોએ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં મદદનીશ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારીશ્રી હિરેન લીમ્બાચીયા દ્વારા પૂર્વ સૈનિકો, સ્વ.સૈનિકોના ધર્મપત્નીશ્રીઓ તથા હાજર સૈનિક પરિવારજનોને કેન્દ્રીય સૈનિક બોર્ડ, રાજ્ય સૈનિક બોર્ડ તથા ગુજરાત સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. તેઓના પેન્શનને લગતા વિવિધ પ્રશ્નો વિષે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ખાસ કરીને સ્વ.સૈનિકોના ધર્મપત્નીશ્રીઓના પેન્શનને લગતા વિવિધ પ્રશ્નોને ઉજાગર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં કેન્દ્રીય સૈનિક બોર્ડ તથા રાજ્ય સૈનિક બોર્ડ તરફથી મળતી સ્કોલરશિપ, પ્રધાનમંત્રી સ્કોલરશિપ, સૈનિક પરિવારની દીકરીઓ માટે લગ્ન સહાય, અંતિમ ક્રિયા સહાય, ઈ.સી.એચ.એસ.ની તબીબી સહાય, પૂર્વ સૈનિક રજિસ્ટ્રેશનની કાર્યવાહી તથા અન્ય સહાયની વિસ્તારપૂર્વક સમજ આપવામાં આવી હતી. શુરવીર જવાનો અને તેઓના પરિવારજનો પ્રતિ સન્માનની લાગણી પ્રદર્શિત કરવા અને સૈનિક કલ્યાણની વિવિધ કલ્યાણકારી યોજનાઓને વધુ વિસ્તૃત અને વધુ લાભકારી કરી શકાય તે માટે સશસ્ત્ર સેના ધ્વજ દિન ભંડોળમાં પુરતો સહયોગ આપવા વિનંતી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીના શ્રી સંજય પંડ્યા, શ્રીમતી ભાવિષાબેન અજુડિયા, કચેરીના અન્ય કર્મચારીઓની સાથે પૂર્વ સુબેદાર જાડેજા ઘનશ્યામસિંહ તેમજ કચ્છ જિલ્લા માજી સૈનિક સંગઠનના જનરલ સેક્રેટરીશ્રી અને પૂર્વ સૈનિકશ્રી ભરતભાઇ સુથાર તેમજ અન્ય પૂર્વ સૈનિકો અને પરિવારજનો હાજર રહ્યા હતા.






