MALIYA (Miyana:માળિયા મિયાણા: પંચવટી ગામના પાટિયા પાસે ભંગારના ડેલા પર ચોકીદાર પર હુમલાનો પ્રયાસ અને જાનથી મારી નાખવાની ધમકી




MALIYA (Miyana:માળિયા મિયાણા: પંચવટી ગામના પાટિયા પાસે ભંગારના ડેલા પર ચોકીદાર પર હુમલાનો પ્રયાસ અને જાનથી મારી નાખવાની ધમકી

માળિયા મિયાણા તાલુકાના પંચવટી ગામના પાટિયા પાસે આવેલા એક ભંગારના ડેલા પર રાત્રિ ચોકીદારી કરી રહેલા આધેડ પર કાળા રંગની સ્કોર્પિયો કારમાં આવેલા ચાર શખ્સોએ છરી બતાવી હુમલાનો પ્રયાસ કર્યો હોવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ માળિયા તાલુકા પોલીસ મથકે નોંધાઈ છે.

મળતી વિગતો અનુસાર, ખીરઈ ગામના વતની સુલતાનભાઈ રહેમાનભાઈ સામતાણી (ઉં.વ. ૪૭) એ આરોપી ઈકબાલ હાજીભાઈ મોર, રણમલ દિલાવર સામતાણી (બંને રહે. ખીરઈ, તા. માળિયા મીયાણા) તથા અન્ય બે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદી સુલતાનભાઈના કૌટુંબિક કાકાના દીકરા અલ્તાફને આરોપીઓ સાથે જૂની મનદુખ (વેરઝેર) ચાલતું હતું. અલ્તાફે ભાડે રાખેલા ભંગારના ડેલા પર સુલતાનભાઈ રાત્રિ દરમિયાન ચોકીદારી કરી રહ્યા હતા. તે સમયે કાળા રંગની નંબર પ્લેટ વગરની સ્કોર્પિયો ગાડીમાં ચારેય આરોપીઓ ત્યાં આવ્યા હતા અને ગાળો આપવા લાગ્યા હતા.
સુલતાનભાઈએ ગાળો આપવાની ના પાડતાં આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને કમરમાંથી છરીઓ કાઢી તેમની તરફ દોડી આવ્યા હતા. આરોપીઓએ છરી બતાવી ધમકી આપી હતી કે, “ડેલો ખાલી કરી દેજે, જો હવે અહીં દેખાણો તો જાનથી મારી નાખીશ. અલ્તાફને પણ કહી દેજે કે ડેલો ખાલી કરે, નહીંતર તમને બંનેને પતાવી દેશું.”આ ધમકી આપ્યા બાદ ચારેય શખ્સો ત્યાંથી ભાગી ગયા હતા. ઘટના અંગે સુલતાનભાઈની ફરિયાદના આધારે માળિયા તાલુકા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


