BANASKANTHAPALANPUR

સુઈગામના ભરડવા ખાતે જન કલ્યાણ શિબિર યોજાઈ: નાગરિકોને સ્થળ પર જ મળી વિવિધ સરકારી સેવાઓ

17 જૂન જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓ અંગે જાગૃતિ સાથે અરજીઓનું સ્થળ પર જ નિરાકરણની કામગીરી કરાઈ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના સફળ ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે ચાલી રહેલા “૧૨ વર્ષ વિકાસના, વિશ્વાસના અને જનકલ્યાણના” અભિયાન અંતર્ગત સુઈગામ તાલુકાના ભરડવા ગામે જન કલ્યાણ શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. શિબિરનો મુખ્ય હેતુ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ ગ્રામ્ય વિસ્તારોના નાગરિકો સુધી સરળતાથી પહોંચાડવાનો તથા લોકોને સરકારી સેવાઓ અંગે માર્ગદર્શન પૂરું પાડવાનો હતો.
આ શિબિરમાં મહેસૂલ, પંચાયત, સામાજિક ન્યાય અને અધિકારીતા, કૃષિ, આરોગ્ય, શિક્ષણ, મહિલા અને બાળ વિકાસ સહિતના વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. તાલુકા આરોગ્ય અધિકારીશ્રી, સુઈગામ દ્વારા નાગરિકોને સરકારની જનહિતલક્ષી યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત વિવિધ વિભાગો દ્વારા સ્થળ પર જ અરજીઓ સ્વીકારવાની, પ્રશ્નોનું નિરાકરણ કરવાની તથા જરૂરી માર્ગદર્શન આપવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. શિબિર દરમિયાન લાભાર્થીઓને વિવિધ યોજનાઓના લાભો, પ્રમાણપત્રો, મહાત્મા ગાંધી નરેગા યોજના હેઠળના જોબ કાર્ડ, આયુષ્માન કાર્ડ, વયવંદના યોજના, વિધવા સહાય સહિતની વિવિધ સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.
આ જન કલ્યાણ શિબિરમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને લાભાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ સરકારની વિવિધ યોજનાઓનો લાભ મેળવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ લોકોને સરકારની કલ્યાણકારી યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવા અપીલ કરી હતી તથા આવા કાર્યક્રમો દ્વારા સરકારની સેવાઓ છેવાડાના માનવી સુધી અસરકારક રીતે પહોંચાડવાના પ્રયાસોની પ્રશંસા કરી હતી.આ પ્રસંગે તાલુકા પંચાયત સુઈગામના પ્રમુખશ્રી જગદીશભાઈ પટેલ, જિલ્લા પંચાયત સદસ્ય શ્રી દુદાજી રાજપૂત, તાલુકા પંચાયત સદસ્ય શ્રી પુંજાભાઈ હડિયલ, સામાજિક અગ્રણી શ્રી બાવાભાઈ ઠાંસ, સરપંચશ્રી સહિત બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!