બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્રની સંવેદનશીલ પહેલ: વિચરતી અને વિમુક્ત જાતિના ૧૨ પરિવારોને પ્લોટની સનદો અર્પણ કરાઈ

29 જૂન જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
જિલ્લા કલેક્ટરશ્રી મિહિર પટેલના હસ્તે નટ અને મદારી સમાજના પરિવારોને મળ્યા પ્લોટ: હવે સાકાર થશે પોતાના ઘરનું સ્વપ્ન વર્ષ ૨૦૨૧થી અટકેલા અમારા પ્રશ્નને જિલ્લા કલેક્ટર શ્રી અને વહીવટી તંત્રે સંવેદનશીલતાથી ઉકેલ્યો છે. આજે અમારા હૃદયમાં વહીવટી તંત્ર પ્રત્યે આદર અને કૃતજ્ઞતાની લાગણી છે:- સુરેશભાઈ રાઠોડ બનાસકાંઠા જિલ્લામાં વસવાટ કરતા વિચરતી અને વિમુક્ત જાતિના પરિવારોના જીવનમાં નવી આશા અને સુરક્ષાનો સંદેશ આપતો મહત્વપૂર્ણ નિર્ણય સાકાર થયો છે. વર્ષોથી કાયમી રહેઠાણ, સરનામું અને ઓળખના અભાવે અનેક સરકારી યોજનાઓના લાભથી વંચિત રહેલા ૧૨ પરિવારોને જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના વરદ હસ્તે પ્લોટની સનદો અર્પણ કરવામાં આવી હતી. પ્લોટની સનદ પ્રાપ્ત થતાં લાભાર્થી પરિવારોમાં આનંદ અને સંતોષની લાગણી પ્રસરી ગઈ હતી.આ પ્રસંગે લાભાર્થીઓએ જિલ્લા વહીવટી તંત્ર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતાં જણાવ્યું કે, હવે તેમને પોતાના પરિવાર માટે કાયમી રહેઠાણનું સ્વપ્ન સાકાર થવાની આશા જાગી છે. ગામ વાસણના લાભાર્થીએ જણાવ્યું હતું કે, “આજે અમને પ્લોટની સનદ મળી છે. વર્ષોથી અમે આ દિવસની રાહ જોઈ રહ્યા હતા. જિલ્લા કલેક્ટર શ્રી અને સમગ્ર વહીવટી તંત્રનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ.જન કલ્યાણ NT-DNTના પ્રમુખ શ્રી સુરેશભાઈ રાઠોડે જણાવ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લાના નટ અને મદારી સમાજના પરિવારોના પ્લોટ ફાળવણીના પ્રશ્નો વર્ષ ૨૦૨૧થી વિવિધ વહીવટી પ્રક્રિયાઓને કારણે પેન્ડિંગ રહ્યા હતા. અગાઉ ફાળવવામાં આવેલી જમીનમાં વરસાદી પાણીના વહેણની સમસ્યા હોવાથી તે સ્થળે વસવાટ શક્ય ન હતો. જેના કારણે નવી અને યોગ્ય જગ્યાની પસંદગી તથા કાયદાકીય પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં સમય લાગ્યો હતો.તેમણે જણાવ્યું કે, જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલે સમગ્ર પ્રશ્નને અત્યંત સંવેદનશીલતા અને હકારાત્મક અભિગમ સાથે લઈ સંબંધિત વિભાગોને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. તેમના સતત માર્ગદર્શન અને દેખરેખ હેઠળ પ્રાંત અધિકારીશ્રી, મામલતદારશ્રી, સર્કલ ઓફિસરશ્રી, તાલુકા પંચાયત અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓએ સંકલિત પ્રયાસો હાથ ધરી તમામ પ્રક્રિયાઓ સમયસર પૂર્ણ કરી હતી. તેના પરિણામે વર્ષોથી અટવાયેલ પ્રશ્નનો સુખદ અંત આવ્યો છે.
આ પ્લોટની ફાળવણી એ વિચરતી અને વિમુક્ત જાતિના પરિવારોને સમાજની મુખ્ય પ્રવાહમાં જોડવાનો એક મહત્વપૂર્ણ પ્રયાસ છે. કાયમી સરનામું મળવાથી હવે આ પરિવારોને વિવિધ સરકારી કલ્યાણકારી યોજનાઓ, આવાસ, શિક્ષણ, આરોગ્ય, રેશનકાર્ડ, આધાર, મતદાર યાદી સહિતની સેવાઓનો લાભ સરળતાથી મળી શકશે. સાથે જ તેમના બાળકોના શિક્ષણ અને પરિવારના સામાજિક તથા આર્થિક વિકાસ માટે પણ નવી તકો ઊભી થશે.ગુજરાત સરકારના સર્વસમાવેશક વિકાસના અભિગમ હેઠળ અને બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્રના પ્રયાસોથી છેવાડાના, વંચિત અને વિચરતી-વિમુક્ત સમાજના લોકો સુધી વિકાસનો લાભ પહોંચાડવામાં સફળતા મળી રહી છે. આ ઐતિહાસિક પહેલથી ખાસ કરીને નટ અને મદારી સમાજમાં ખુશી, ગૌરવ અને વિશ્વાસની લાગણી પ્રસરી છે.
આ પ્રસંગે લાભાર્થી પરિવારો, જન કલ્યાણ NT-DNTના હોદ્દેદારો, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ તેમજ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.







