શેઠશ્રી ટી.પી. હાઈસ્કૂલ, માલણમાં “શિક્ષક વાલી પરિસંવાદ” યોજાયો

9 જુલાઈ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
શેઠશ્રી ટી.પી. હાઈસ્કૂલ, માલણમાં “શિક્ષક વાલી પરિસંવાદ” યોજાયો. શેઠ શ્રી ટીપી હાઈસ્કૂલ, માલણના પ્રાર્થનાખંડમાં શિક્ષક-વાલી મીટિંગ (Parent-Teacher Meeting) નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ ૯ થી ૧૨ નાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને શિક્ષણના સ્તરને વધુ મજબૂત બનાવવાના આશયથી એક ભવ્ય શિક્ષક-વાલી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મીટિંગમાં મોટી સંખ્યામાં વાલીશ્રીઓ ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી. ત્યારબાદ શાળાના આચાર્યશ્રી દ્વારા ઉપસ્થિત તમામ વાલીઓનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું અને શિક્ષણમાં વાલીઓની ભૂમિકા કેટલી મહત્વની છે તેના પર પ્રકાશ પાડ્યો હતો. શાળાના આચાર્યશ્રી ડો. રાજેશ પ્રજાપતિએ વાલીઓને તેમના બાળકોના એકમ કસોટી, પરીક્ષા અને તેના પરિણામ વિષે માહિતગાર કરવામાં આવ્યા હતા. જે વિદ્યાર્થીઓ ભણવામાં નબળા છે, તેમના પર વિશેષ ધ્યાન આપવા માટે ચર્ચા થઈ હતી. વિદ્યાર્થીઓ શાળામાં નિયમિત હાજરી આપે અને ગૃહકાર્ય (હોમવર્ક) સમયસર પૂરું કરે તે માટે વાલીઓને ઘરે પણ દેખરેખ રાખવા વિનંતી કરવામાં આવી હતી. આજના સમયમાં બાળકો મોબાઈલ પાછળ વધુ સમય ન બગાડે અને તેનો ઉપયોગ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ કરે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. રમત-ગમત, સાંસ્કૃતિક કાર્યક્રમો અને વિજ્ઞાન મેળાઓમાં બાળકો ભાગ લે તે માટે પ્રોત્સાહિત કરવા વાલીઓને જણાવાયું હતું. ઘણા વાલીઓએ શાળાની શિક્ષણ પદ્ધતિ અને શિક્ષકોની મહેનતને બિરદાવી હતી. કેટલાક વાલીઓએ પોતાના બાળકોના અભ્યાસ અંગેના પ્રશ્નો રજૂ કર્યા હતા, જેનું શિક્ષકો અને આચાર્યશ્રી દ્વારા યોગ્ય માર્ગદર્શન અને સંતોષકારક સમાધાન આપવામાં આવ્યું હતું. સમગ્ર મીટિંગનું સંચાલન શાળાના શિક્ષક ડો. કે.જે.કક્કડ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે શાળાના શિક્ષક્શ્રીએ પોતાનો કિંમતી સમય આપીને હાજર રહેલા તમામ વાલીઓનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. મીટિંગ શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ હતી. શાળાના આચાર્યશ્રી ડો. રાજેશ પ્રજાપતિએ કાર્યક્રમને સફળ બનાવવા બદલ તમામ સ્ટાફ મિત્રોનો આભાર વ્યક્ત કર્યો હતો.




