બનાસકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને પાલનપુર ખાતે ‘બાલિકા પંચાયત’ કાર્યક્રમ યોજાયો

24 જૂન જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
ગામડાની દીકરીઓ બની નેતૃત્વની મિસાલ: બાલિકા પંચાયતની દીકરીઓએ કલેક્ટરશ્રી સમક્ષ રજૂ કરી પોતાની સિદ્ધિઓ.બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને આજરોજ કલેકટર કચેરી પાલનપુર ખાતે બાલિકા પંચાયત હેઠળ કાર્યક્રમ યોજાયો હતો. સંવેદના ટ્રસ્ટ, અમીરગઢ, યુનિસેફ તથા જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, બનાસકાંઠાના સંયુક્ત ઉપક્રમે બાલિકા પંચાયતની દીકરીઓ સાથે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન બાલિકા પંચાયતની દીકરીઓએ જિલ્લા કલેકટરશ્રી સમક્ષ પોતાના ગામમાં કરવામાં આવેલી કામગીરી, પ્રાપ્ત થયેલી સિદ્ધિઓ અને સામનો કરેલા પડકારો અંગે વિગતો રજૂ કરી હતી. કલેકટરશ્રી દ્વારા દીકરીઓએ કરેલી કામગીરીને બિરદાવીને વિવિધ સામાજિક પ્રવૃતિઓ કરવા સૌને પ્રેરિત કર્યા હતા. શ્રેષ્ઠ કામગીરી કરનાર બાલિકા પંચાયતની દીકરીઓને સંવેદના ટ્રસ્ટ દ્વારા પ્રોત્સાહન પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતાડીસા તાલુકાના આસેડા ગામની બાલિકા પંચાયતની સરપંચે જણાવ્યું હતું કે શરૂઆતમાં બાલિકા પંચાયત વિશે ખાસ જાણકારી ન હોવા છતાં વિવિધ બેઠકો અને તાલીમ દ્વારા તેમને પંચાયતની કાર્યપદ્ધતિ અને સામાજિક જવાબદારીઓની સમજ મળી. કલેક્ટરશ્રી સમક્ષ પોતાની કામગીરી રજૂ કરવાની તક મળતા તેમણે ગૌરવ અને આનંદની લાગણી વ્યક્ત કરી હતી.તેમણે જણાવ્યું કે, બાલિકા પંચાયતનો મુખ્ય હેતુ દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવાનો, બાળલગ્નો અટકાવવાનો તથા સ્વચ્છતા અને આરોગ્ય અંગે જાગૃતિ લાવવાનો છે. ગામમાં કેટલીક દીકરીઓ ઘરકામના કારણે અભ્યાસ અધવચ્ચે છોડી દેતી હોવાનું ધ્યાનમાં આવતા તેમણે વાલીઓને સમજાવી દીકરીઓને ફરીથી શાળામાં જોડાવા પ્રેરિત કરી હતી. પરિણામે ગામની બે દીકરીઓએ ફરી શિક્ષણ શરૂ કર્યું છે. ઉપરાંત આર્થિક મુશ્કેલીઓને કારણે બોર્ડની પરીક્ષાની તૈયારી ન કરી શકતી દીકરીઓને પોતાના ઘરે નિઃશુલ્ક માર્ગદર્શન અને ટ્યુશન આપીને તેમને ઉચ્ચ શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહી છે. કિશોરીઓમાં આરોગ્ય અને પોષણ અંગે જાગૃતિ લાવવા તેમજ આરોગ્ય વિભાગના સહયોગથી BMI, વજન અને હિમોગ્લોબિન ચકાસણી જેવી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. દાંતા તાલુકાના મડેરણ ગામની બાલિકા પંચાયતની સભ્ય સમીહાબાનુ લેબડિયાએ પણ બાલિકા પંચાયત દ્વારા વૃદ્ધ પેન્શન, વિધવા સહાય અને પાલક માતા-પિતા યોજના જેવી સરકારી યોજનાઓના લાભો જરૂરિયાતમંદ પરિવારો સુધી પહોંચાડવા માટે કરવામાં આવેલા પ્રયાસોની માહિતી આપી હતી.જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ‘બેટી બચાવો, બેટી પઢાવો’ યોજના અંતર્ગત તમામ દીકરીઓને યોજના-લોગો ધરાવતી ટી-શર્ટ, કેપ અને પાણીની બોટલનું વિતરણ કરવામાં આવ્યું હતું.સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સંવેદના ટ્રસ્ટના પ્રમુખશ્રી શિલ્પાબેન દ્વારા કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં પાલનપુર પ્રાંત અધિકારીશ્રી, જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી, યુનિસેફના ચાઇલ્ડ પ્રોટેક્શન સ્પેશિયાલિસ્ટ, સંવેદના ટ્રસ્ટના પ્રમુખશ્રી શિલ્પાબેન તેમજ જિલ્લાના વિવિધ ગામોની ૬૦ બાલિકા પંચાયતના સરપંચ, ઉપસરપંચ અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.











