બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ સુંઢા ગામે પ્રાકૃતિક મોડેલ ફાર્મની મુલાકાત લઈ પ્રાકૃતિક કૃષિ પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કર્યું

30 જૂન જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા જિલ્લા વિકાસ અધિકારીશ્રીની બહુચર પ્રાકૃતિક મોડેલ ફાર્મની મુલાકાત બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના સુંઢા ગામે આવેલ શ્રી ભીખાભાઈ ભુટકાના બહુચર પ્રાકૃતિક મોડેલ ફાર્મની બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારીશ્રી એમ.જે.દવેએ મુલાકાત લઈ પ્રાકૃતિક કૃષિ આધારિત વિવિધ પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કર્યું હતું.આ મુલાકાત દરમિયાન જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ બાયોરિસોર્સ સેન્ટરની કામગીરી અંગે વિસ્તૃત માહિતી મેળવી હતી. તેમણે જીવામૃત, બીજામૃત, ઘન જીવામૃત સહિત પ્રાકૃતિક કૃષિ માટે ઉપયોગમાં લેવાતા વિવિધ ઇનપુટ્સની તૈયારી અને તેના ઉપયોગ વિશે જાણકારી મેળવી હતી. ઉપરાંત ફળબાગ, વિવિધ પ્રકારના વૃક્ષો, ટપક સિંચાઈ પદ્ધતિ, કુદરતી સંસાધનોના સંરક્ષણ તેમજ પ્રાકૃતિક ખેતીના વિવિધ મોડેલોનું સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળા વિકાસનો સંદેશ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિ ખેડૂતો માટે ખેતી ખર્ચમાં ઘટાડો કરવાની સાથે જમીનની ફળદ્રુપતા જાળવવામાં, પર્યાવરણનું સંરક્ષણ કરવામાં તથા ઝેરમુક્ત કૃષિ ઉત્પાદનને પ્રોત્સાહન આપવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.જિલ્લાના વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ પ્રેરાય તે માટે આવા મોડેલ ફાર્મને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત છે.આ પ્રસંગે શ્રી ભીખાભાઈ ભુટકાએ પોતાના પ્રાકૃતિક ખેતીના અનુભવો, બાયોરિસોર્સ સેન્ટરની કામગીરી તેમજ ખેડૂતોને આપવામાં આવતી માર્ગદર્શિકા અંગે વિગતવાર માહિતી આપી હતી. આ પ્રસંગે આત્મા પ્રોજેક્ટ, બનાસકાંઠાના અધિકારીઓ અને કર્મચારીઓ, ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના અધિકારીઓ તથા કર્મચારીઓ તેમજ વિસ્તારના પ્રગતિશીલ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.




