BANASKANTHAPALANPUR

વિકસિત ભારત@૨૦૪૭ સંકલ્પ અભિયાન અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં “સ્વચ્છતા સપ્તાહ અભિયાન”નો ઉત્સાહભેર પ્રારંભ

9 જૂન જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

તા. ૦૮ જૂનથી ૧૪ જૂન, ૨૦૨૬ દરમિયાન જિલ્લાભરમાં સ્વચ્છતા, પ્લાસ્ટિક મુક્તિ અને જનજાગૃતિ માટે વિશેષ અભિયાન
સ્વચ્છ ગામ, સ્વસ્થ સમાજ અને વિકસિત બનાસકાંઠાના નિર્માણ માટે લોકભાગીદારીનો સંકલ્પ
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત@૨૦૪૭ના રાષ્ટ્રીય સંકલ્પને લોકભાગીદારી દ્વારા સાકાર કરવા તેમજ વિકસિત ગુજરાત@૨૦૪૭ના ધ્યેયને જનઆંદોલનનું સ્વરૂપ આપવા રાજ્ય સરકારશ્રી દ્વારા તા. ૦૫ જૂનથી ૨૧ જૂન, ૨૦૨૬ દરમિયાન રાજ્યવ્યાપી જનજાગૃતિ અને જનકલ્યાણલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તેના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા “સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ” અંતર્ગત તા. ૦૮ જૂનથી ૧૪ જૂન, ૨૦૨૬ દરમિયાન સમગ્ર જિલ્લામાં “સ્વચ્છતા સપ્તાહ અભિયાન”નું આયોજન કરવામાં આવ્યું છે.

જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, તાલુકા પંચાયતો, ગ્રામ પંચાયતો, જનપ્રતિનિધિઓ, કર્મયોગીઓ, યુવાનો તથા ગ્રામજનોના સહયોગથી સમગ્ર જિલ્લામાં સ્વચ્છતા અંગે વ્યાપક જનજાગૃતિ લાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. “સ્વચ્છ ગામ, સુંદર ગામ – આપણું ગામ, આપણું ગૌરવ”ના સંકલ્પને સાકાર કરવા માટે વિવિધ સ્વચ્છતા આધારિત પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે.અભિયાનના પ્રથમ દિવસે જિલ્લાભરના અનેક ગામોમાં સાયકલ રેલી, જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. યુવાનો અને ગ્રામજનોએ હાથમાં સ્વચ્છતાના સંદેશા આપતા બેનરો અને પ્લેકાર્ડ્સ સાથે ગામોગામ સ્વચ્છતાનો સંદેશ પહોંચાડ્યો હતો. સાથે જ ગામોને પ્લાસ્ટિક મુક્ત બનાવવા તથા ઘન કચરા વ્યવસ્થાપનના નિયમોના અસરકારક અમલીકરણ માટે જરૂરી કામગીરી હાથ ધરવામાં આવી હતી.
અભિયાન દરમિયાન ગામના મુખ્ય માર્ગો, મહોલ્લાઓ, જાહેર સ્થળો, સરકારી કચેરીઓ, શાળાઓ, આંગણવાડી કેન્દ્રો તથા ધાર્મિક સ્થળોની આસપાસ સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. ગ્રામજનો અને યુવાનોએ શ્રમદાન કરી સ્વચ્છતા પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. કચરાના યોગ્ય નિકાલ માટે ડસ્ટબીનના ઉપયોગ, ભીનો અને સુકો કચરો અલગ કરવાની પદ્ધતિ તેમજ પ્લાસ્ટિકના ઉપયોગમાં ઘટાડા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ ઉપરાંત ગામોના તળાવો, ખુલ્લા પ્લોટો, ગટર વિસ્તાર તથા પાણી ભરાઈ રહેતા સ્થળોની સફાઈ કરવામાં આવી હતી. મચ્છરજન્ય રોગચાળો અટકાવવા અને સ્વચ્છ પર્યાવરણ જાળવવા માટે વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી હતી. લાંબા સમયથી એકત્રિત થતા કચરાના નિકાલ તથા વધુ કચરો એકત્રિત થતા વિસ્તારોને પ્રાથમિકતા આપવામાં આવી હતી.અભિયાનના અંતિમ દિવસે ગ્રામજનોને સ્વચ્છતાની શપથ લેવડાવવામાં આવશે તેમજ સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ અને નાગરિક જવાબદારી અંગે જાગૃતિ ફેલાવવામાં આવશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જનપ્રતિનિધિઓ, સામાજિક સંસ્થાઓ, યુવા મંડળો તથા સામાન્ય નાગરિકોને આ અભિયાનમાં સક્રિય સહભાગી બનવા અનુરોધ કરવામાં આવ્યો છે.બનાસકાંઠા જિલ્લામાં હાથ ધરાયેલું આ “સ્વચ્છતા સપ્તાહ અભિયાન” માત્ર સફાઈ પૂરતું મર્યાદિત નહીં રહે, પરંતુ સ્વચ્છતા, આરોગ્ય, પર્યાવરણ સંરક્ષણ અને સામાજિક જવાબદારી અંગેનું અસરકારક જનઆંદોલન બની “વિકસિત બનાસકાંઠા”ના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે. સ્વચ્છ, સ્વસ્થ અને પ્રગતિશીલ સમાજના નિર્માણ દ્વારા વિકસિત ગુજરાત@૨૦૪૭ અને વિકસિત ભારત@૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં જિલ્લો વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરી રહ્યો છે.

Back to top button
error: Content is protected !!