BANASKANTHAPALANPUR

ચૈત્રી નવરાત્રિના પાવન અવસરે યાત્રાધામ અંબાજી ખાતે આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિએ માતાજીના દર્શન કર્યા

22 માર્ચ વાત્સલ્યમ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા

(માહિતી બ્યુરો, પાલનપુર) આજથી આદ્યશક્તિ મા અંબાની આરાધનાના પાવન અવસર ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ થયો છે. આજે ચૈત્ર નવરાત્રિના પ્રથમ નોરતો વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર તથા ગ્રામ વિકાસ વિભાગના રાજ્ય મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિએ ભક્તિભાવપૂર્વક માતાજીના દર્શન અને પૂજા અર્ચના કરી હતી. મંત્રીશ્રીએ અંબાજી મંદિર અને માતાજીના મૂળ પ્રાગટ્ય સ્થાન ગણાતા ગબ્બર પર્વત ઉપર જઇ માતાજીના દર્શન કરી આશિર્વાદ મેળવ્યાં હતા. શક્તિ, ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ સમાન જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. શક્તિપીઠ અંબાજી મંદિર દેશના 51 શક્તિપીઠમાં આદ્યશક્તિપીઠ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિરના શિખર પર 358 નાના મોટા સુવર્ણ કળશ લાગેલા છે એટલે આ ધામને ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે. અંબાજી મંદિર અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલું માં અંબાનું પ્રાચીન તીર્થ સ્થળ છે. વર્ષ દરમિયાન ભક્તો મોટી સંખ્યામાં માતાજીના દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે.  અંબાજી મંદિરમાં મંત્રીશ્રીનું શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર સુશ્રી સિધ્ધિ વર્માએ માતાજીનો ખેસ પહેરાવીને સ્વાગત કર્યુ હતુ. મંત્રીશ્રીએ માતાજીની ગાદી પર જઈને ભટ્ટજી મહારાજના આશીર્વાદ પણ મેળવ્યા હતા. આ પ્રસંગે અગ્રણીઓ સર્વશ્રી શૈલેષભાઈ પટેલ, લલિતભાઈ લુહાર, નિલેશભાઈ બુંબડીયા, અમરતભાઇ ઓડ સહિત અધિકારી-પદાધિકારીઓ અને વિશાળ સંખ્યામાં માઇભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!