સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના નવા કુલપતિ તરીકે પ્રો. રાજેશ્વર સિંહ ચંદેલે સંભાળ્યો પદભાર

8 જુલાઈ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
રાજ્ય સરકાર હસ્તકની સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કુલપતિ તરીકે પ્રો. રાજેશ્વર સિંહ ચંદેલે તા. ૭ જુલાઈ, ૨૦૨૬ના રોજ વિધિવત્ પદભાર સંભાળ્યો હતો.પ્રો. ચંદેલ કૃષિ શિક્ષણ, સંશોધન અને વિસ્તરણ ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે. તેમણે સહ નિયામક (સંશોધન અને વિસ્તરણ), સંશોધન નિયામક, પ્રાકૃતિક ખેતી કૌશલ કિસાન યોજનાના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર, હિમાચલ પ્રદેશ સરકારના આત્મા પ્રોજેક્ટના સ્ટેટ નોડલ અધિકારી તેમજ વર્ષ ૨૦૨૨થી ૨૦૨૬ દરમિયાન ડૉ. વાય. એસ. પરમાર યુનિવર્સિટી ઓફ હોર્ટિકલ્ચર એન્ડ ફોરેસ્ટ્રી, સોલાન (હિમાચલ પ્રદેશ) ખાતે કુલપતિ તરીકે સફળતાપૂર્વક ફરજ બજાવી છે.તેઓ ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ (ICAR)ની ગવર્નિંગ બોડીના સભ્ય રહી ચૂક્યા છે તેમજ નીતિ આયોગ દ્વારા રચાયેલી વિવિધ ૯ સમિતિઓમાં પણ સભ્ય તરીકે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. ઉપરાંત તેમણે ૧૦થી વધુ આંતરરાષ્ટ્રીય તાલીમો પ્રાપ્ત કરી છે, જેનો લાભ સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીને મળશે.પ્રો. ચંદેલને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ૧૭થી વધુ પ્રતિષ્ઠિત એવોર્ડ, ફેલોશિપ અને સન્માનો પ્રાપ્ત થયા છે. તેઓ અંગ્રેજી, હિન્દી ઉપરાંત જર્મન ભાષાના પણ જાણકાર છે. તેમના નામે ૨૫૦થી વધુ વૈજ્ઞાનિક સંશોધન પ્રકાશનો, કૉપીરાઇટ્સ અને પેટન્ટ્સ નોંધાયેલા છે.




