દિયોદરના રાંટીલા જિલ્લા પંચાયત બેઠક પર સિધ્ધરાજસિંહની વિજય સભા: મકડાલા ગામમાં દિવાળી જેવો માહોલ*

*દિયોદરના રાંટીલા જિલ્લા પંચાયત બેઠક પર સિધ્ધરાજસિંહની વિજય સભા: મકડાલા ગામમાં દિવાળી જેવો માહોલ*
પ્રતિનિધિ દિયોદર ફોટો
(અહેવાલ કલ્પેશ બારોટ)
વાવ થરાદ જિલ્લાની દિયોદર તાલુકાની રાંટીલા જિલ્લા પંચાયત બેઠક પર સિધ્ધરાજસિંહ ચૌહાણની ભવ્ય જીત થતા સમગ્ર વિસ્તારમાં અને ખાસ કરીને તેમના વતન મકડાલા ગામમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ જીતને વધાવવા માટે મકડાલા ગામમાં દિવાળી જેવો ઉત્સવ મનાવવામાં આવ્યો હતો.
ગામોના લોકો દ્વારા ભવ્ય સામૈયું અને રાજ તિલક
રાંટીલા બેઠક હેઠળ આવતા તમામ ૧૪ ગામોના અઢારે આલમના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. લોકોએ ફટાકડા ફોડી અને ગુલાલની છોળો ઉડાડી સિદ્ધરાજસિંહનું ભવ્ય વિજય સરઘસ કાઢ્યું હતું. ૧૪ ગામોના વડીલો અને આગેવાનોએ પરંપરાગત રીતે સિદ્ધરાજસિંહનું રાજ તિલક કરી તેમને આશીર્વાદ પાઠવ્યા હતા. લોકશાહીના આ પર્વમાં મતદારોએ જે વિશ્વાસ મૂક્યો છે તેને લોકોએ વિજય ઉત્સવમાં ફેરવી નાખ્યો હતો.
આ પ્રસંગે અગ્રણી દશરથસિંહ ચૌહાણે હર્ષની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “આ જીત એ લોકોના વિશ્વાસની જીત છે. અમે રામ-લક્ષ્મણની જોડીની જેમ સાથે રહીને વિસ્તારના તમામ ૧૪ ગામોના પાયાના પ્રશ્નો ઉકેલીશું અને આ વિસ્તારને વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જઈશું. કોઈ પણ ભેદભાવ વગર સર્વ સમાજને સાથે રાખીને આગળ વધીશું.”
પોતાની જીત બાદ મતદારોનો આભાર માનતા સિધ્ધરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, “આ જીત મારી વ્યક્તિગત જીત નથી, પરંતુ રાંટીલા બેઠકના ૧૪ ગામોના અને ખાસ કરીને મકડાલા ગામના અઢારે આલમના લોકોના પ્રેમ અને સાથની જીત છે. લોકોએ જે આશા અને અપેક્ષા સાથે મને ચૂંટ્યો છે, તેના પર હું ખરો ઉતરીશ અને રાત-દિવસ જોયા વગર જનતાની સેવા કરીશ.”
જેમાં સમગ્ર પંથકમાંથી લોકો અભિનંદન પાઠવ્યા હતા





